તેલંગાણામાં ટનલની છત તૂટી પડતાં છ શ્રમિકો ફસાયા; તંત્ર દોડતું થયું

હૈદરાબાદ: તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં એક નિર્માણાધીન ટનલમાં મોટી દુર્ઘટના ઘટી છે. શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC)ની નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડતાં 6થી વધુ શ્રમિકો ફસાયા હોવાની આશંકા (Tunnel collapse in Telangana) છે. અહેવાલ મુજબ કન્સ્ટ્રકશન કંપનીની ટીમ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ટનલની અંદર પહોંચી છે અને તપાસ કરી રહી છે. તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આપેલી માહિતી મુજબ છ થી આઠ કામદારો ફસાયેલા હોવાની આશંકા છે. કેટલાક કામદારો કામના ભાગ રૂપે ટનલનું અંદર ગયા હતા. જ્યારે તેઓ ટનલની 12-13 કિમી અંદર પહોંચ્યા ત્યારે એક ભાગની છત તૂટી પડી.
મુખ્ય પ્રધાન નિર્દેશો આપ્યા:
તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીના કાર્યાલય દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે મુખ્ય પ્રધાનએ ટનલમાં છત તૂટી પડવાની માહિતી મળતાં જ અધિકારીઓને નિર્દેશ આપ્યા છે. મુખ્ય પ્રધાને જિલ્લા કલેક્ટર, સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ, ફાયર બ્રિગેડ, હૈદરાબાદ ડિઝાસ્ટર રિસ્પોન્સ એન્ડ એસેટ પ્રોટેક્શન એજન્સી (HYDRAA) અને સિંચાઈ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે.
મુખ્ય પ્રધાનની સૂચના પર, સિંચાઈ પ્રધાન એન ઉત્તમ કુમાર રેડ્ડી, સલાહકાર આદિત્યનાથ દાસ અને અન્ય સિંચાઈ અધિકારીઓ સ્પેશિયલ હેલિકોપ્ટરમાં અકસ્માત સ્થળ માટે રવાના થયા છે.
કેન્દ્રીય કોલસા પ્રધાન જી કિશન રેડ્ડીએ પણ આ અકસ્માત અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમના કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, તેમણે અધિકારીઓને ફસાયેલા લોકોની સલામતી અને ઘાયલોની સારવાર કરવાનો નિર્દેશ આપ્યો છે.
આ પણ વાંચો : તેલંગાણાના જંગલમાં એન્કાઉન્ટરમાં 7 નક્સલવાદીઓ ઠાર, હથિયારો જપ્ત…
સરકારની ટીકા:
દરમિયાન, BRSના કાર્યકારી પ્રમુખ કેટી રામા રાવે આ ઘટના અંગે સીએમ રેડ્ડીની ટીકા કરતા કહ્યું કે તેમણે અકસ્માતની જવાબદારી લેવી જોઈએ. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આવા અકસ્માતો કોન્ટ્રાક્ટરો સાથેની મિલીભગત અને સુપરવાઇઝરોની બેદરકારીને કારણે થાય છે.
સ્પેશીયલ ટીમ રવાના:
અહેવાલ મુજબ, રાજ્યની માલિકીની કોલસા ખાણકામ કંપની, સિંગરેની કોલિયરીઝ કંપની લિમિટેડની 19 સભ્યોની ટીમ શનિવારે નાગરકુર્નૂલ જિલ્લામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ માટે બચાવ કામગીરીમાં જોડાવા માટે રવાના થઈ છે.
કંપનીના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર, કંપની પાસે આવી ઘટનાઓમાં લોકોને બચાવવાની કુશળતા છે અને તેમની પાસે જરૂરી સાધનો પણ છે.