
હૈદરાબાદ: તેલંગાણામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC)ની નિર્માણાધીન ટનલનો એક ભાગ 22 ફેબ્રુઆરીના રોજ ધરાશાયી (Telangana Tunnel Collapse) થતા કન્સ્ટ્રકશન કંપનીના આઠ કર્મચારીઓ ફસાયા છે, આ ઘટના થયાને એક અઠવાડિયાનો સમય વીતી ચુક્યો છે, છતાં રેસ્ક્યુ ઓપરેશનમાં સફળતા મળી શકી નથી. ગઈ કાલે શનિવારે ફસાયેલા આઠ લોકોમાંથી 4 કામદારોનું લોકેશન મળી આવ્યું હતું, પરંતુ તેમના જીવિત હોવાની શક્યતા ખુબ જ ઓછી છે.
તેલંગાના આબકારી પ્રધાન જુપલ્લી કૃષ્ણ રાવે શનિવારે જણાવ્યું હતું કે ટનલ ધરાશાયી થયા બાદ સતત રેસ્ક્યુ ઓપરશન ચાલી રહ્યું છે, ફસાયેલા કુલ આઠ લોકોમાંથી ચારનું લોકેશન મળી આવ્યું છે. કૃષ્ણા રાવ સિંચાઈ પ્રધાન એન ઉત્તમ કુમાર રેડ્ડી સાથે રેસ્ક્યુ ઓપરેશનમાં સામેલ અધિકારીઓ સાથેની બેઠકમાં હાજરી આપી હતી.
જુપલ્લી કૃષ્ણ રાવે મીડિયાને જણાવ્યું હતું કે રડાર દ્વારા ચાર લોકોનું લોકેશન મળી આવ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી કે રવિવાર સાંજ સુધીમાં લોકોને બહાર કાઢવામાં આવી શકે છે. લોકેશન મુજબ મેન્યુઅલ ડ્રેજિંગનું કામ ચાલી રહ્યું છે અને રવિવાર સાંજ સુધીમાં તે પૂર્ણ થવાની અપેક્ષા છે.
ફસાયેલા લોકોની સ્થિતિ વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું, “મેં પહેલા દિવસે જ કહ્યું હતું કે ફસાયેલા લોકોના બચવાની શક્યતા ખૂબ ઓછી છે.”
આ પણ વાંચો…ગુલાબી નોટને લઈને RBIએ આપ્યું મહત્ત્વનું નિવેદન, આંખો પહોળી થઈ જશે…
રેસ્ક્યુ ઓપરેશનની સ્થિતિ:
નેશનલ જીઓફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NGRI) ના વૈજ્ઞાનિકોએ ‘ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર’ (GPR) નો ઉપયોગ કરીને લોકેશન શોધી કાઢ્યું હતું. કૃષ્ણ રાવે જણાવ્યું હતું કે બાકીના ચાર લોકો ટનલના બોરિંગ મશીન (TBM) હેઠળ ફસાયેલા હોય તેવું લાગે છે અને તેમને શોધવામાં થોડો સમય લાગી શકે છે.
તેમણે કહ્યું કે 450 ફૂટ ઉંચા TBMને કાપવામાં આવી રહ્યું છે અને લગભગ 11 એજન્સીઓના કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયેલા છે. ઓપરેશનમાં વિલંબ અંગે વિપક્ષી પક્ષો દ્વારા કરવામાં આવેલી ટીકાનો ઉલ્લેખ કરતા, કૃષ્ણા રાવે કહ્યું કે આ પ્રયાસમાં સામેલ લોકો નિષ્ણાતો છે પરંતુ ટનલની અંદર કાદવ અને અન્ય પરિસ્થિતિઓને કારણે બચાવ કાર્ય જટિલ બન્યું છે.