તેલંગણામાં પાટા પરથી ખડી પડી માલગાડી, રેલ સેવાઓ ખોરવાઈ
તેલંગણાના પેદ્દાપલ્લી જિલ્લામાં રાઘવપુરમ અને રામાગુંડમ વચ્ચે મંગળવારે રાત્રે લોખંડની કોઇલ વહન કરતી માલગાડીના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેના કારણે ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઇ હતી. આ કારણે રેલવે પ્રશાસને 20 પેસેન્જર ટ્રેનો રદ કરવી પડી હતી, તેમ જ 10 ટ્રેનના રૂટ પણ બદલવા પડ્યા હતા. ટ્રેન સેવામાં વિક્ષેપના કારણે મુસાફરોને વિલંબ અને અન્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
Also read: Share Market: શેરબજારે આજે પણ નિરાશ કર્યા, SENSEX-NIFTY આટલા પોઈન્ટ્સ ગગડ્યા
મળતી માહિતી મુજબ કર્ણાટકના બેલ્લારીથી ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જતી માલગાડી તેલંગણા રાજ્યમાંથી પસાર થઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનાને કારણે દિલ્હી-ચેન્નઈ મુખ્ય રેલવે લાઇન પર ટ્રેન વ્યવહાર ઠપ થઈ ગયો છે અને બંને તરફની ટ્રેનો બંધ થઈ ગઈ છે. એક્સપ્રેસ, સુપરફાસ્ટ, પેસેન્જર અને ગુડ્સ ટ્રેનો લાઇન પરના વિવિધ પોઈન્ટ પર ફસાયેલી છે.
દક્ષિણ મધ્ય રેલવે (SCR)ઝોનના અધિકારીઓ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગુડ્ઝ ટ્રેનના પાટા પરથી ઉતરી જવાને કારણે, 20 પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી હતી, જેમાંથી ચાર આંશિક રીતે રદ કરવામાં આવી હતી અને 10 ડાયવર્ટ કરવામાં આવી હતી. આ સિવાય બે ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને ત્રણને ગંતવ્ય સ્થાને પહોંચતા પહેલા જ અટકાવી દેવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ટ્રેકને રિપેર કરવા અને રેલ ટ્રાફિકને પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ છે.
Also read: ફરી 3 દેશોના પ્રવાસે જશે પીએમ મોદી, ગુયાનાની મુલાકાત કેમ મહત્વની છે?
આ દુર્ઘટના બાદ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી બંદી સંજય કુમારે દક્ષિણ મધ્ય રેલવેના જનરલ મેનેજર અરુણ કુમાર જૈન સાથે ટેલિફોન પર વાત કરી અને તેમને મુસાફરોને પડતી અસુવિધા ઘટાડવા તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી હતી. દરમિયાન દક્ષિણ મધ્ય રેલવે (એસસીઆર) એ મુસાફરોને મદદ કરવા માટે હેલ્પલાઈન નંબરો જારી કર્યા છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી દેશના અલગ-અલગ ભાગોમાંથી ટ્રેનો પાટા પરથી ઉતરી જવાની ઘણી ઘટનાઓ સામે આવી છે અને NIAએ પણ આવા અનેક મામલામાં તપાસ શરૂ કરી છે.