તેલંગાણામાં હવે બે બાળક ધરાવતા લોકો પણ લડી શકશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, વિધાનસભામાં બીલ પસાર…

હૈદરાબાદ : તેલંગાણા વિધાનસભામાં એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં હવે રાજયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા માંગતા લોકોને બે બાળકનો કાયદો નહી નડે. તેલંગાણા વિધાનસભામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બે બાળક ધરાવતા લોકોને ગેરલાયક ઠરાવતા નિયમને નાબૂદ કરતું બીલ પસાર કરવામાં આવ્યું છે. વર્ષ 1994થી ચાલી આવતા કાયદાને રદ કરવા માટે વિધાનસભામાં તેલંગાણા પંચાયત રાજ (સુધારા) બિલ, 2026 ને મંજૂરી આપવામાં આવી છે.
કાયદો વર્ષ 1994 માં લાગુ કરવામાં આવ્યો હતો
આ અંગે પંચાયત રાજ મંત્રી દાનસારી અનુસુયા સીતાક્કાએ બિલ રજૂ કરતી વખતે આ નિર્ણય પાછળના કારણો સમજાવ્યા હતા. તેમણે કહ્યું કે જ્યારે આ કાયદો વર્ષ 1994 માં લાગુ કરવામાં આવ્યો હતો ત્યારે તેનો હેતુ વસ્તી વિસ્ફોટને રોકવાનો હતો. જોકે 30 વર્ષ પછી પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. મંત્રીએ જણાવ્યું કે તેલંગાણાના ગ્રામીણ વિસ્તારોમાં પ્રજનન દર ઘટીને 1.7 થઈ ગયો છે. જો આ દર ઓછો રહેશે તો ભવિષ્યમાં રાજ્યના વિકાસ અને વસ્તી વિષયક સંતુલન પર તેની ખૂબ જ નકારાત્મક અસર પડશે.
પ્રજનન દર ઓછામાં ઓછો 2.1 રાખવો જરૂરી
આ અંગે સરકાર માનવું છે કે ભવિષ્યની પેઢીઓને ધ્યાનમાં રાખીને પ્રજનન દર ઓછામાં ઓછો 2.1 રાખવો જરૂરી છે. 30 વર્ષ પછી વસ્તી નીતિની સંપૂર્ણ સમીક્ષામાં જાણવા મળ્યું કે આ પ્રતિબંધ હવે જરૂરી નથી. પરંતુ ઘટતા પ્રજનન દરમાં સુધારો કરવો વધુ મહત્વપૂર્ણ છે.

પંચાયત રાજ મંત્રી દાનસારી અનુસુયા સીતાક્કાએ જણાવ્યું હતું કે સરકાર ઘટતા પ્રજનન દરને સુધારવા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજવા માટે તેલંગાણા પંચાયત રાજ અધિનિયમ, 2018 માં સુધારાનો પ્રસ્તાવ મુક્યો હતો. જેને વિધાનસભા ગૃહમાં મંજુર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો…CM રેવંત રેડ્ડીની મુંબઈ મુલાકાત સફળ: તેલંગાણામાં સલમાન ખાને કર્યું 10,000 કરોડનું જંગી રોકાણ



