તેલંગણાના વિધાનસભ્ય લસ્યા નંદિતાનું માર્ગ અકસ્માતમાં મોત
હૈદરાબાદ: તેલંગણાની સિકંદરાબાદ કેન્ટ બેઠક પરથી બીઆરએસ વિધાનસભ્ય જી. લાસ્યા નંદિતાનું આજે શુક્રવારે રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેઓ માત્ર ૩૬ વર્ષના હતા. હૈદરાબાદના નેહરુ આઉટર રિંગ રોડ પર તેમની કારને અકસ્માત થયો હતો, કાર કાબુ બહાર જઈને ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ઈજા થતાં તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તસવીરમાં જોઈ શકાય છે કે તેમની કારના આગળના ભાગને ભારે નુકશાન પહોંચ્યું છે.
આ માર્ગ અકસ્માતમાં વિધાનસભ્યના ડ્રાઈવરને પણ ગંભીર ઈજાઓ થઈ છે. નંદિતા પાંચ વખત વિધાનસભ્ય રહી ચૂકેલા જી સાયન્નાની પુત્રી હતા,
ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ તેમનું અવસાન થયું. ત્યારબાદ બીઆરએસ એ તેલંગણા વિધાનસભા ચૂંટણીમાં સિકંદરાબાદથી લસ્યા નંદિતાને ટિકિટ આપી. નંદિતાએ ભાજપના ઉમેદવારને ૧૭ હજાર મતોથી હરાવીને જીત મેળવી હતી. લસ્યા પહેલીવાર વિધાનસભ્ય બન્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ પણ લસ્યા નંદિતાની કારનો અકસ્માત થયો હતો. ૧૦ દિવસ પહેલા થયેલા એક માર્ગ અકસ્માતમાં તેઓ બચી ગયા હતા. ૧૩ ફેબ્રુઆરીના રોજ નરકેટપલ્લીમાં થયેલા અકસ્માતમાં તેમને સામાન્ય ઈજાઓ થઈ હતી. તે દરમિયાન તે પૂર્વ મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવની જાહેર સભામાં ભાગ લેવા માટે નાલગોંડા જઈ રહ્યા હતા. આ અકસ્માતમાં તેના હોમગાર્ડનું મોત થયું હતું. આજે ફરી એકવાર લસ્યા રોડ અકસ્માતનો શિકાર બની હતી, જેમાં તેમણે જીવ ગુમાવ્યો હતો.
ગયા વર્ષે ડિસેમ્બરમાં નંદિતા સાત લોકો સાથે લિફ્ટમાં ફસાઈ ગયા હતા. ઓવરલોડિંગને કારણે લિફ્ટ તૂટી પડી, જેના કારણે તેઓ તેની અંદર ફસાઈ ગયા. આ ઘટના ૨૪ ડિસેમ્બરે બોવનપલ્લીની એક હૉસ્પિટલમાં બની હતી, જ્યાં નંદિતા હૉસ્પિટલની વર્ષગાંઠની ઉજવણીમાં હાજરી આપવા ગઈ હતી. તેઓ ૨૦ મિનિટથી વધુ સમય સુધી લિફ્ટમાં ફસાયેલા હતા. આ પછી તેમને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.