તેલંગણામાં પુરુષો કરતાં મહિલા મતદારો વધુ
હૈદરાબાદ: તેલંગણામાં આ મહિનાની ૩૦મીએ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચે તેલંગણાની અંતિમ મતદાર યાદી જાહેર કરી છે. અંતિમ મતદાર યાદી અનુસાર તેલંગણામાં કુલ ત્રણ કરોડ ૨૬ લાખ ૧૮ હજાર ૨૦૫ મતદારો છે. જેમાં એક કરોડ ૬૨ લાખ ૯૮ હજાર ૪૧૮ પુરુષો અને એક કરોડ ૬૩ લાખ એક હજાર ૭૦૫ મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે તેલંગાણામાં ત્રીજા લિંગના ૨,૬૭૬ મતદારો નોંધાયેલા છે. આમ તેલંગણામાં પુરુષ મતદારોની સરખામણીમાં મહિલા મતદારોની સંખ્યા વધી ગઇ છે.
ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે મતદાર યાદીમાં ૩૫ લાખ ૭૩ હજારથી વધુ લોકોના નામ ઉમેરાયા છે. જ્યારે લગભગ ૯ લાખ લોકોના નામ દૂર કરવામાં આવ્યા છે. લગભગ ૧૬ લાખ નામ એવા છે જેમણે પોતાનું મતદાન સરનામું બદલ્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે હવે અંતિમ યાદી પ્રકાશિત થઈ ગઈ છે. ૨૦૨૩ની વિધાનસભા ચૂંટણી માટે હવે પછીની અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.