માતા-પિતાની ઉપેક્ષા કરશો તો પગારમાંથી 15% કપાશે! ભારતમાં આ રાજ્ય બનાવી રહ્યું છે કડક કાયદો…

હૈદરાબાદ: તેલંગાણાના મુખ્ય પ્રધાન એ. રેવંત રેડ્ડીની સરકારે એક મોટો નિર્ણય લેવાની તૈયારી કરી છે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં એવો કાયદો લાવશે, જે અંતર્ગત જો કોઈ સરકારી કર્મચારી પોતાના માતા-પિતા સાથે ગેરવર્તન કરશે કે તેમની ઉપેક્ષા કરશે, તો તેના પગારનો 10 થી 15 ટકા હિસ્સો કાપી લેવામાં આવશે અને તે રકમ સીધી માતા-પિતાના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
નવા નિયુક્ત થયેલા ગ્રુપ-2ના કર્મચારીઓને નિમણૂક પત્રો સોંપતી વખતે મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીએ આ જાહેરાત કરી હતી. તેમણે કર્મચારીઓને જનતાની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલતા દાખવવાનો અનુરોધ કર્યો હતો, અને સાથે જ પોતાના માતા-પિતા સાથે પણ સારો વ્યવહાર કરવા પર ભાર મૂક્યો હતો.
મુખ્ય પ્રધાને કહ્યું, “અમે એક કાયદો લાવી રહ્યા છીએ. જો કોઈ સરકારી કર્મચારી પોતાના માતા-પિતાની ઉપેક્ષા કરશે, તો તેના પગારનો 10 થી 15 ટકા હિસ્સો કાપીને માતા-પિતાના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. તમને જેમ માસિક પગાર મળે છે, તેમ અમે એ સુનિશ્ચિત કરીશું કે તમારા માતા-પિતાને પણ તેમાંથી માસિક આવક મળી રહે.”
રેડ્ડીએ તાત્કાલિક મુખ્ય સચિવ રામકૃષ્ણ રાવને આ કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે અધિકારીઓની એક સમિતિ બનાવવાનો આદેશ પણ આપ્યો છે. આ કાયદો લાગુ થવાથી સરકારી કર્મચારીઓમાં તેમના વડીલો પ્રત્યેની જવાબદારી વધશે અને ઉપેક્ષાનો સામનો કરી રહેલા માતા-પિતાને નિયમિત આર્થિક મદદ મળી શકશે.