તેલંગણા ચૂંટણી – ૨.૫ લાખથી વધુ કર્મચારીઓ મતદાન ફરજમાં તૈનાત
આચારસંહિતા લાગુ થયા બાદથી અત્યાર સુધીમાં ₹ ૭૦૯ કરોડની જપ્તી
હૈદરાબાદ: ૩૦ નવેમ્બરે યોજાનારી તેલંગણા વિધાનસભા ચૂંટણી માટે ૨.૫ લાખથી વધુ કર્મચારીઓ મતદાન ફરજમાં રોકાશે, એમ મુખ્ય ચૂંટણી અધિકારી વિકાસ રાજેએ જણાવ્યું છે.
રવિવારે પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, જારી કરાયેલા ૧,૬૮,૬૧૨ પોસ્ટલ બેલેટમાંથી ૨૬ નવેમ્બર સુધી ૯૬,૫૨૬ મતદાન થયું છે. લગભગ ૨.૫ લાખ લોકોનો સ્ટાફ ચૂંટણી વ્યવસ્થામાં રોકાશે. જ્યારે ૪૫,૦૦૦ તેલંગણા પોલીસ તૈનાત કરવામાં આવશે.પાડોશી રાજ્યોમાંથી કુલ ૨૩,૫૦૦ હોમગાર્ડની માંગણી કરવામાં આવી હોવાનું વિકાસ રાજેએ જણાવ્યું હતું.
ચૂંટણી પંચ તેલંગણામાં અન્ય ગણવેશધારી સેવાઓના ૩,૦૦૦ કર્મચારીઓને પણ તૈનાત કરશે. રાજ્ય વિશેષ પોલીસની ૫૦ કંપનીઓ અને કેન્દ્રીય દળોની ૩૭૫ કંપનીઓ સુરક્ષા વ્યવસ્થાનું સંચાલન કરશે, એમ રાજેએ જણાવ્યું હતું. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, ૨૬,૬૬૦ જેટલા મતદારોએ હોમ વોટિંગ સુવિધા દ્વારા તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. રાજ્યમાં નવ ઑક્ટોબરે આદર્શ આચારસંહિત અમલમાં આવી ત્યારથી કાયદા અમલીકરણ એજન્સીઓએ ચૂંટણીલક્ષી તેલંગણામાં ૭૦૯ કરોડથી વધુની કિંમતની રોકડ, સોનું, દારૂ, ફ્રીબિઝ જપ્ત કરી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.