નેશનલ

તેલંગણા ચૂંટણી: બીઆરએસનો ચૂંટણીઢંઢેરો જાહેર

એલપીજી સિલિન્ડર ₹ ૪૦૦માં આપવાનું વચન

હૈદરાબાદ: સામાજિક સુરક્ષા પેન્શનની રકમ વધારવી, ખેડૂતો માટે રાયથુ બંધુ રોકાણ સહાય યોજના હેઠળ આપવામાં આવતી નાણાકીય સહાયમાં વધારો અને ૪૦૦ રૂપિયાના દરે એલપીજી સિલિન્ડર પૂરા પાડવા એ આગામી વિધાનસભા માટે શાસક પક્ષ બીઆરએસ દ્વારા કરવામાં આવેલાં કેટલાંક વચનો છે.

તેલંગણામાં ૩૦ નવેમ્બરે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનું જાહેરનામું બહાર પાડતા બીઆરએસના વડા અને મુખ્ય પ્રધાન કે.ચંદ્રશેખર રાવે જણાવ્યું હતું કે, રાજ્યમાં ગરીબી રેખા(બીપીએલ) નીચે જીવતા તમામ ૯૩ લાખ પરિવારોને પાંચ લાખ રૂપિયાનું જીવન વીમા કવચ આપવામાં આવશે અને પ્રીમિયમનો ખર્ચ સરકાર ઉઠાવશે. રાવે વધુમાં જણાવ્યું હતું કે, સામાજિક સુરક્ષા પેન્શન જે હાલમાં રૂ. ૨૦૧૬ છે, તે આગામી પાંચ વર્ષમાં ધીમે ધીમે વધારીને રૂ. ૫૦૦૦ કરવામાં આવશે. જાહેરનામા અનુસાર બીઆરએસ સત્તામાં આવ્યા પછી પ્રથમ વર્ષમાં તેને વધારીને રૂ. ૩,૦૧૬ કરવામાં આવશે અને પછી આગામી ૪ વર્ષમાં તેને રૂા. ૫૦૦૦ સુધી વધારવામાં આવશે.

તેવી જ રીતે દિવ્યાંગ લોકો માટેનું પેન્શન હાલના રૂ. ૪,૦૧૬થી વધારીને આગામી પાંચ વર્ષમાં રૂ. ૬,૦૧૬ કરવામાં આવશે. રાયથુ બંધુ યોજના હેઠળ ખેડૂતોને પ્રતિ એકર વાર્ષિક રૂ. ૧૦,૦૦૦ મળે છે. જે આગામી પાંચ વર્ષમાં ક્રમશ: વધારીને વાર્ષિક રૂ. ૧૬,૦૦૦ કરવામાં આવશે. સત્તામાં આવ્યા પછી બીઆરએસ પાત્ર લાભાર્થીઓને દરેક ગેસ સિલિન્ડર રૂ. ૪૦૦માં આપશે અને બાકીનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે, તેમ કહેવામાં આવ્યું છે. બીઆરએસ જાહેરનામું આરોગ્ય શ્રી સ્વાસ્થ્ય યોજના હેઠળ લાભાર્થીઓને હાલના રૂ. ૫ લાખથી વધારીને તમામ પાત્રતા ધરાવતા લોકોને ૧૫ લાખ રૂપિયાના આરોગ્ય વીમા કવચનું વચન આપે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button