નવી દિલ્હી: તેલંગાણાના મુખ્ય પ્રધાન અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ એ રેવંત રેડ્ડીએ સોમવારે સાંજે દિલ્હીમાં 10 જનપથ ખાતે સોનિયા ગાંધી સાથે તેમના સત્તાવાર નિવાસસ્થા પર મુલાકાત લીધી હતી. તેમણે સોનિયા ગાંધીને આગામી લોકસભા ચૂંટણી તેલંગાણામાંથી લડવાની અપીલ કરી હતી. રેવંત રેડ્ડીએ કહ્યું કે તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સોનિયા ગાંધીને તેલંગાણામાંથી ચૂંટણી લડવા વિનંતી કરતા પહેલા જ એક ઠરાવ પસાર કરી દીધો છે.
મુખ્ય પ્રધાન રેવંતે તેમને કહ્યું કે આંધ્રપ્રદેશથી તેલંગાણાને અલગ રાજ્યનો દરજ્જો આપવા બદલ અહીંના લોકો સોનિયા ગાંધીને તેમની ‘મા’ માને છે અને ઈચ્છે છે કે તેઓ રાજ્યની કોઈપણ બેઠક પરથી આગામી લોકસભા ચૂંટણી લડે. તેના જવાબમાં સોનિયા ગાંધીએ કહ્યું કે તેઓ યોગ્ય સમયે નિર્ણય લેશે.
રેવંત રેડ્ડીએ સોનિયા ગાંધીને કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા વચનોના અમલીકરણમાં પ્રગતિ વિશે માહિતી આપી હતી. મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે છમાંથી બે ગેરંટી – મહિલાઓ માટે મફત બસ મુસાફરી અને આરોગ્યશ્રી હેઠળ આરોગ્ય કવચ રૂ. 5 લાખથી વધારીને રૂ. 15 લાખ, પહેલેથી જ લાગુ કરવામાં આવી છે. રેવન્ત રેડ્ડીએ સોનિયા ગાંધીને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વધુ બે ગેરંટી લાગુ કરવા તૈયાર છે – 200 યુનિટ સુધી મફત વીજ પુરવઠો અને રૂ. 500માં ગેસ સિલિન્ડર.
તેમણે સોનિયા ગાંધીને એમ પણ કહ્યું કે સરકારે પછાત જાતિઓની વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લીધો છે અને આ અંગે ઝડપથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેલંગાણા કોંગ્રેસ આગામી લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં વધુમાં વધુ બેઠકો જીતવાનો પ્રયાસ કરી રહી છે અને પાર્ટીએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. પાર્ટી દરેક લોકસભા મતવિસ્તારના ઉમેદવારો પાસેથી અરજીઓ મેળવી રહી છે.
આ મુલાકાત દરમિયાન મુખ્યપ્રધાનની સાથે નાયબ મુખ્યપ્રધાન ભટ્ટી વિક્રમારકા, રાજ્યના મહેસૂલ, માહિતી અને પ્રસારણ પ્રધાન પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડી પણ હાજર હતા.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને