તેલંગણાઃ નામપલ્લી રેલવે સ્ટેશન પર ચારમિનાર એક્સપ્રેસ થઇ ડિરેલ

હૈદરાબાદથી ચેન્નઈ જઈ રહેલી ચારમિનાર એક્સપ્રેસના ત્રણ ડબ્બા તેલંગણાના નામપલ્લી રેલવે સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં લગભગ 5 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ દુર્ઘટના બુધવારે સવારે 7 વાગ્યાની આસપાસ થઈ હતી, જ્યારે ચારમિનાર એક્સપ્રેસ નામપલ્લી સ્ટેશન પાસે રોકવાની હતી. તે સમયે આ દુર્ઘટના ઘટી હતી, જેમાં દરવાજા પાસે ઉભેલા પાંચ લોકો ઘાયલ થયા હતા.
આ દુર્ઘટનામાં અન્ય કોઈ નુકસાનની કોઈ માહિતી નથી. સાઉથ સેન્ટ્રલ રેલ્વેના સીપીઆરઓ અનુસાર, કોચ પાટા પરથી ઉતરી ગયા હતા અને તે સમયે ટ્રેનના દરવાજા પાસે ઉભેલા લોકોને સામાન્ય ઈજા થઈ હતી. તમામ ઘાયલોને રેલવે હોસ્પિટલમાં મોકલીને સારવાર આપવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે ટ્રેન રોકાવાની તૈયારીમાં હતી ત્યારે કેટલીક બોગી પ્લેટફોર્મ સાથે અથડાઈ હતી જેના કારણે આ દુર્ઘટના થઈ હતી.
જો કે, આ ઘટનામાં ન તો કોઈને ગંભીર ઈજા થઈ છે કે ન તો કોઈ જાનહાની થઈ છે. મળતી માહિતી મુજબ, રેલ્વે અધિકારીઓ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ બાદ જણાવ્યું હતું જાનહાનિના કોઇ અહેવાલ નથી. ટ્રેન પાટા પરથી ઉતરી જવા પાછળના કારણોની તાત્કાલિક તપાસ કરવામાં આવી રહી છે.
આ ઘટના બાદ નામપલ્લી રેલવે સ્ટેશનથી ઘણી ટ્રેન સેવાઓ બદલવામાં આવી છે. કેટલીક ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. રેલ્વે અધિકારીઓએ પરિસ્થિતિને સંભાળવા માટે કામ તેજ કરી દીધું છે જેથી ટ્રેનોની અવરજવર વહેલી તકે શરૂ કરી શકાય.