‘હિંમત હોય તો કોંગ્રેસ મસ્જિદો અને ચર્ચોમાં…’, આ બબાતે તેલંગાણા ભાજપ રોષે ભરાઈ
હૈદરાબાદ: તેલંગાણામાં છેલ્લા ઘણા સમયથી સાંપ્રદાયિક મુદ્દાઓ ચર્ચામાં રહ્યા છે, ખાસ કરીને મંદિર અને મંદિરને લગતા મુદ્દાઓ. એવામાં તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિ (TPCC)ના પ્રમુખ મહેશ કુમાર ગૌર (Mahesh Kumar Gaur)ના નિવેદને વધુ એક વિવાદને જન્મ આપ્યો છે. મહેશ કુમારે રાજ્યની મંદિર સમિતિઓ અને ટ્રસ્ટ બોર્ડમાં સોશિયલ મીડિયા કોઓર્ડિનેટરનો સમાવેશ કરવાની અપીલ કરી હતી, જેની સામે ભાજપ અને વિશ્વ હિંદુ પરિષદે (VHP) વિરોધ નોંધાવ્યો છે.
TPCC એ રાજ્ય સરકારના પ્રધાન કોંડા સુરેખાને પત્ર લખીને મંદિર સમિતિઓમાં સોશિયલ મીડિયા કોઓર્ડિનેટરની નિમણૂક કરવાની માંગ કરી છે, જેથી કરીને મંદિરોના વિકાસ કાર્યોનો સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર કરી શકાય. વિપક્ષોએ આ યોજનાનો વિરોધ કર્યો અને તેને મંદિરો પર વધારાનો નાણાકીય બોજ લાદવા અને ધાર્મિક સંસ્થાઓમાં રાજકીય હસ્તક્ષેપ ગણાવ્યો.
આ મુદ્દે ભાજપ નેતા અને કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન બુંદી સંજય કુમારે x પર લખ્યું કર્યું કે, “મંદિર આસ્થાના સ્થાનો છે, રાજકીય હિતો માટેના કેન્દ્રો નથી. હિન્દુ મંદિર સમિતિઓમાં સોશિયલ મીડિયા સંયોજકોની નિમણૂક કરવી એ મંદિરોના આધ્યાત્મિક હેતુને નબળો પાડવાનો પ્રયત્ન હશે. શું કોંગ્રેસ પાસે હિંમત છે કે, મસ્જિદો અને ચર્ચોમાં આવી માગણી કરે? તેમની યોજના માત્ર હિન્દુ મંદિરો માટે છે?”
તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસ સરકારે પહેલા મંદિરોની રક્ષા કરવી જોઈએ અને તેની પવિત્રતા જાળવવી જોઈએ. અમે તેલંગાણા સરકારને વિનંતી કરીએ છીએ કે મંદિરોમાં કરવામાં આવતી ભરતીમાં પારદર્શિતા હોવી જોઈએ અને તેમાં કોઈ રાજકીય પક્ષપાત ન હોવો જોઈએ.
Also Read – UP ByPolls 2024: સીએમ યોગી આદિત્યનાથ અને પીએમ મોદી વચ્ચે યોજાઇ મહત્વની બેઠક, આ મુદ્દે થઈ ચર્ચા
BRS નેતા મન્ને કૃષ્ણંક અને વિશ્વ હિંદુ પરિષદ (VHP)એ પણ આ યોજના સામે વિરોધ વ્યક્ત કર્યો છે. VHPએ આને ધાર્મિક સ્થળોમાં રાજકીય હસ્તક્ષેપ ગણાવ્યો અને સરકારને વિનંતી કરી કે આ માંગને ફગાવી દેવામાં આવે.