તેલંગાણામાં ભાજપના આ જાણીતા નેતા ક્રાંગ્રેસમાં જોડાયા…
હૈદરાબાદઃ તેલંગાણામાં 30 નવેમ્બરે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ સાંસદ જી. વિવેક વેંકટસ્વામી ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે. વિવેક વિધાનસભા ચૂંટણી માટે ભાજપના તેલંગાણા એકમની મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ પણ હતા. વેંકટસ્વામી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા. વેંકટસ્વામી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય પણ હતા.
વિવેકે તેલંગાણા ભાજપના અધ્યક્ષ જી. કિશન રેડ્ડીને સંબોધીને લખેલા પત્રમાં તેમણે લખ્યું છે કે ભારે હૃદય સાથે હું ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપું છું. બાદમાં વિવેક વેંકટ સ્વામી એક હોટેલમાં ભૂતપૂર્વ સાંસદ તેમના પુત્ર વંશી કૃષ્ણ સાથે રાહુલ ગાંધીને મળ્યા. નોંધનીય છે કે હાલમાં તેલંગાણામાં પાર્ટી માટે પ્રચાર કરી રહ્યા છે. તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિ (TPCC)ના પ્રમુખ એ. રેવંત રેડ્ડી અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
વિવેકે કહ્યું હતું કે તેઓ કોઈ પદ કે ટિકિટ માટે કોંગ્રેસમાં જોડાયા નથી પરંતુ કેસીઆર સરકારને સત્તા પરથી હટાવવાના કામમાં જોડાયા છે. વિવેકે આરોપ લગાવ્યો કે છેલ્લા 10 વર્ષથી કેસીઆર સરકાર લોકોના કલ્યાણ માટે નહીં પરંતુ તેમના પરિવાર માટે કામ કરી રહી છે. બધાએ સાથે મળીને આ ખરાબ શાસનને ખતમ કરવાની જરૂર છે.
જો કે છેલ્લા ઘણા સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે વિવેક કોંગ્રેસ પાર્ટીમાં પરત ફરવાનું વિચારી રહ્યા છે.
અને તેમના પુત્રને 30 નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસની ટિકિટ મળે તેવી શક્યતા છે.
નોંધનીય છે કે વિવેક વેંકટસ્વામી 2019માં ભાજપમાં જોડાયા હતા. વિવેક વેંકટસ્વામી 2009માં પેદ્દાપલ્લી મતવિસ્તારમાંથી સંસદમાં ચૂંટાયા હતા. બાદમાં તેલંગાણાને રાજ્યનો દરજ્જો આપાવવા અને કોંગ્રેસ પર દબાણ લાવવા TRSમાં જોડાયા. તેલંગાણા બિલ સંસદમાં પસાર થયા બાદ તેઓ 2014માં કોંગ્રેસમાં પાછા ફર્યા હતા. 2016માં ફરી પાછા TRSમાં જોડાયા અને 2019માં ભાજપમાં જોડાયા હતા.