ટીમ ઇન્ડિયા ઘરઆંગણે વર્લ્ડકપ જીતવા માટે પ્રબળ દાવેદાર: ટેલર
નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન રોસ ટેલરનું માનવું છે કે ભારતીય ટીમ તેના ઘરઆંગણે ઘણી અલગ લાગે છે અને તે વર્લ્ડ કપ જીતવાની પ્રબળ દાવેદાર છે. ટેલરે આઇસીસી માટે પોતાની કોલમમાં લખ્યું હતું કે ભારતીય ટીમ ઘરની પરિસ્થિતિમાં સંપૂર્ણ રીતે અલગ લાગે છે. તેણે પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી છે. વર્લ્ડકપમાં વર્તમાન તબક્કામાં તે ટાઇટલ માટે પ્રબળ દાવેદાર હોય તેવું લાગે છે.
ભારતે અત્યાર સુધી બેટિંગ અને બોલિંગ બંને વિભાગમાં સારું પ્રદર્શન કર્યું છે. કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે જ્યારે બોલિંગમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને સ્પિનર્સ કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજાએ સારું પ્રદર્શન કર્યું છે.
ટેલરે કહ્યું હતું કે બુમરાહ ખૂબ જ સારી રીતે નેતૃત્વ કરી રહ્યો છે જ્યારે કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજા ખરેખર સારી બોલિંગ કરી રહ્યા છે. તેના ટોચના ત્રણ બેટ્સમેનોએ હંમેશાં ઉપયોગી યોગદાન આપ્યું છે. તમે હંમેશાં તમારા ટોચના ત્રણ બેટ્સમેન પાસેથી સારા સ્કોરની અપેક્ષા રાખી શકતા નથી, પરંતુ હવે લાગે છે કે તેમને શ્રેયસ અને કેએલ રાહુલના રૂપમાં ચોથા અને પાંચમા નંબર પર સારા બેટ્સમેન મળ્યા છે.