નેશનલ

શિક્ષક-પિતાની મહિને ₹12,000ની આવક, દીકરો એકઝાટકે ₹14.20 કરોડ લઈ આવ્યો!

અમેઠી: ઉત્તર પ્રદેશના 20 વર્ષની ઉંમરના અનકૅપ્ડ ખેલાડી લેફ્ટ-આર્મ સ્પિન ઑલરાઉન્ડર પ્રશાંત વીરને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના ફ્રેન્ચાઇઝીએ મંગળવારના અબુ ધાબીના મિની ઑક્શન (AUCTION)માં 30 લાખ રૂપિયાની મૂળ કિંમત સામે 14.20 કરોડ રૂપિયાના રેકોર્ડ-બ્રેક ભાવે ખરીદીને ક્રિકેટ જગતમાં સનસનાટી તો મચાવી જ દીધી છે, પ્રશાંતના પરિવારમાં બે મહિને ફરી દિવાળી આવી છે. પ્રશાંતે આઈપીએલમાં પોતાની પહેલી જ સીઝનમાં ધીકતી કમાણી કરીને શિક્ષક-પિતાના માથેથી મોટો બોજ ઊતારી દીધો છે.

ચેન્નઈએ પીઢ સ્પિન ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને હરાજી પહેલાંના ટ્રેડિંગમાં રાજસ્થાન રોયલ્સને આપી દીધો એટલે હવે રિપ્લેસમેન્ટ તરીકે નવી પેઢીના સ્પિન ઑલરાઉન્ડર પ્રશાંત વીરને મેળવ્યો એનો સીધો ફાયદો પ્રશાંતના પરિવારને થયો છે.

પ્રશાંતના શિક્ષક-પિતા મહિને માંડ 8,000થી 12,000 રૂપિયા કમાતા હોવાથી પુત્રના ક્રિકેટ કોચિંગ પાછળ ખર્ચ કરી શકે એમ નહોતા, પરંતુ તેની ટેલન્ટને લીધે તેને તેના દાદાની તેમ જ બે સ્થાનિક કોચ (ગોયલ સર અને અકરમ સર)ની આર્થિક મદદ પણ મળી હતી અને તે કોચિંગ મેળવીને સ્થાનિક સ્તરે અને પછી (ઉત્તર પ્રદેશ) રાજ્ય વતી કેટલીક મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમ્યો હતો અને સીએસકેની ગુડ-બુકમાં આવી ગયો હતો.

પ્રશાંતે ઈશ્વરનો આભાર માન્યો

અનકૅપ્ડ ખેલાડીઓ (એક પણ આંતરરાષ્ટ્રીય મૅચ ન રમ્યા હોય એવા પ્લેયર્સ)માં નવો ઈતિહાસ રચનાર અમેઠી નજીકના શાહજીપુર ગામના પ્રશાંત વીરનું સીએસકે વતી (ખાસ કરીને ધોની સાથે) રમવાનું નાનપણથી સપનું હતું જે હવે સાકાર થઈ રહ્યું છે. પ્રશાંતે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, ‘ લગતા હૈ ભગવાનને મેરી પ્રાર્થના સુન લી.’

મુંબઈએ શરૂઆત કરી, ચેન્નઈએ પડદો પાડ્યો

મંગળવારની હરાજીમાં પ્રશાંતના 30 લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ પર મુંબઈ ઇન્ડિયન્સે બિડ શરૂ કર્યા બાદ એની અને લખનઊ વચ્ચે હરીફાઈ થઈ હતી. ત્યાર બાદ ચેન્નઈએ એન્ટ્રી કરી અને લખનઊ સાથે એની સ્પર્ધા જામી હતી. રાજસ્થાન તથા હૈદરાબાદે પણ રેસમાં ઝૂકાવ્યું હતું, પણ છેલ્લે ચેન્નઈએ તેને ₹14.20 કરોડમાં મેળવી લીધો હતો.

દોસ્તો પ્રશાંતને ડેવિડ મિલર કહીને બોલાવે

લોઅર ઓર્ડરની આક્રમક બૅટિંગ માટે જાણીતો પ્રશાંત જયારે કૉલેજમાં ભણવાની સાથે હોસ્ટેલમાં રહેતો ત્યારે સાઉથ આફ્રિકાના ખેલાડીઓ જેવી ગ્રીન જર્સી પહેરતો હતો. ત્યારે તેના કોચ તેને ડેવિડ મિલર કહીને બોલાવતા હતા એટલે ત્યારથી તેનું નામ દોસ્તોમાં ડેવિડ મિલર પડી ગયું હતું.

ઑલ ટાઈમ અનકૅપ્ડ રેન્કિંગ્સ

(1) પ્રશાંત વીર, ₹14.20 કરોડ
(2) કાર્તિક શર્મા, ₹14.20 કરોડ
(3) આવેશ ખાન, ₹10 કરોડ
(4) ક્રિષ્નપ્પા ગૌતમ, ₹9.25 કરોડ
(5) ઑકિબ નબી, ₹8.40 કરોડ

આપણ વાંચો:  ભારતીય ટીમનો ઓપનીંગ બેટર હોસ્પિટલમાં દાખલ! સીટી સ્કેન, USG કરવામાં આવ્યું

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button