ભયંકર ભીડમાં ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુ સ્ટેજ પર ધક્કે ચડ્યા, સુરક્ષાકર્મીએ બચાવ્યો જીવ

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા એક વીડિયો પ્રમાણે આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને તેલુગુ દેસમ પાર્ટીના ચીફ ચંદ્રબાબુ નાયડુ લોકોના ટોળા વચ્ચે સ્ટેજ પર ધક્કે ચડ્યા હતા, તેઓ પડવાની તૈયારીમાં જ હતા, જો કે એક સતર્ક સુરક્ષાકર્મીએ તેમનો જીવ બચાવ્યો હતો.
આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાના રાજામુંદ્રી શહેરમાં રા કદલી રા ખાતે યોજાયેલી એક રેલી દરમિયાનનો આ વીડિયો છે જેમાં ચંદ્રબાબુ નાયડુ સ્ટેજ પર લોકોના ટોળામાં ઉભા છે અને તેમને પાછળથી કોઇ અજાણ્યા શખ્સનો ધક્કો વાગે છે, જેને કારણે તેઓ સંતુલન ગુમાવી બેસે છે. પરંતુ તેમની બાજુમાં ઉભેલા સુરક્ષાકર્મીએ તરત એલર્ટ થઇને તેમને સંભાળી લે છે અને લોકોને હટાવવાનો પ્રયાસ કરે છે.
ચંદ્રબાબુ નાયડુ હાલ કોર્ટ કચેરીના ચક્કરો કાપી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે સોમવારે અમરાવતી રીંગ રોડના કેસમાં ચંદ્રબાબુ નાયડુએ દાખલ કરેલી આગોતરા જામીન અરજીને પડકારતી આંધ્રપ્રદેશ સરકારની અરજી ફગાવી દીધી હતી. આંધ્રપ્રદેશના અમરાવતી શહેરમાં રીંગ રોડ બનાવવા મુદ્દે થયેલા એક કૌભાંડમાં તેમની સંડોવણી બહાર આવી છે. ચંદ્રબાબુ નાયડુ વર્ષ 2014થી 2019 દરમિયાન આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન હતા. તેમણે તથા અન્ય સરકારી અધિકારીઓએ અમરાવતી શહેરના વિકાસકાર્યોને લગતા પ્લાનમાં ગેરરીતિ અને કૌભાંડ આચર્યું હોવાના તેમના પર આરોપો લાગેલા છે.
આંધ્ર પ્રદેશના હાલના મુખ્યપ્રધાન જગન રેડ્ડીની બહેન વાય એસ શર્મિલાના પુત્રના લગ્નમાં પણ ચંદ્રબાબુ નાયડુએ હાજરી આપી હતી.