10 વર્ષમાં વિદેશમાંથી 40,564 કરોડથી વધુની કર ઉઘરાણી; પણ કેટલું નાણું બહાર ગયું તેનો કોઈ અંદાજ નથી.

નવી દિલ્હી: સંસદમાં શિયાળુ સત્રના પહેલા જ દિવસે નાણા મંત્રાલયે કાળા નાણાં (Black Money) અંગે પૂછાયેલા સવાલના જવાબમાં મહત્વની વિગતો રજૂ કરી હતી. સાંસદ માલા રાયે છેલ્લા દસ વર્ષમાં દેશમાં કેટલું કાળું નાણું પાછું લાવવામાં આવ્યું અને કેટલું નાણું દેશની બહાર મોકલાયું, તે અંગે માહિતી માંગી હતી. જેના જવાબમાં નાણા રાજ્ય પ્રધાન પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, આવકવેરા અધિનિયમ, 1961 અથવા કાળું નાણું અને કર અધિરોપણ અધિનિયમ, 2015 માં ‘કાળું નાણું’ (Black Money) તરીકેની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી.
જોકે, સરકારે કાળું નાણું (અઘોષિત વિદેશી આવક અને સંપત્તિ) અને કર અધિરોપણ અધિનિયમ, 2015 હેઠળ કરવામાં આવેલી કાર્યવાહીના આંકડા રજૂ કર્યા હતા. આ કાયદો 1 જુલાઈ, 2015 ના રોજ લાગુ કરવામાં આવ્યો હતો. 1 જુલાઈ, 2015 થી 30 સપ્ટેમ્બર, 2015 સુધીની ત્રણ મહિનાની એક-કાલિક અનુપાલન અવધિ (One-Time Compliance Window) દરમિયાન 684 આવક સંબંધિત ખુલાસા કરવામાં આવ્યા હતા, જેમાં ₹4,164 કરોડ ની અઘોષિત વિદેશી સંપત્તિનો ખુલાસો થયો હતો. આવા કેસોમાં કર અને દંડ તરીકે આશરે ₹2,476 કરોડ ની રકમ એકત્ર કરવામાં આવી હતી.
વધુમાં, 30 ઓગસ્ટ, 2025 સુધીમાં કાળું નાણું અધિનિયમ, 2015 હેઠળ 1087 આકારણીઓ (Assessments) પૂર્ણ કરવામાં આવી છે, જેના પરિણામે ₹40,564 કરોડથી વધુ ની કર ઉઘરાણી અને દંડની માંગ કરવામાં આવી છે. 1 જુલાઈ, 2015 થી 30 જૂન, 2025 સુધીમાં આ કાયદા હેઠળ કર/દંડ/વ્યાજની માંગ સામે ₹339 કરોડ ની વસૂલાત પણ થઈ છે. એટલે કે કાયદાકીય વ્યાખ્યા ન હોવા છતાં, સરકારે કાયદા હેઠળ મોટી રકમની ઉઘરાણી કરવામાં સફળતા મેળવી છે.
જોકે, વિદેશમાં મોકલાયેલા કાળા નાણાં અંગેના સવાલના જવાબમાં સરકાર કોઈ જવાબ આપી શકી નહોતી. પ્રધાને જણાવ્યું હતું કે, “છેલ્લા દસ વર્ષ દરમિયાન આપણા દેશમાંથી બહાર મોકલવામાં આવેલી અઘોષિત આવકની રકમ વિશે કોઈ સત્તાવાર અંદાજ નથી.” આનો અર્થ એ થયો કે, સરકારે વિદેશી બેંકોમાં કે અન્ય માર્ગે દેશમાંથી કેટલું કાળું નાણું બહાર ગયું તેનો વર્ષ-વાર કે કુલ ચોક્કસ આંકડો રજૂ કર્યો નથી.



