બિલ્ડર્સ પર તવાઈ
ગુજરાતમાંં અનેક સ્થળે આઈટી અને ઈડીના દરોડા
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: દિવાળીના થોડા દિવસો જ બાકી છે ત્યારે અમદાવાદમાં એન્ફાર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી) અને આવકવેરા (આઈટી) વિભાગના ૧૫૦ અધિકારીના કાફલાએ સપાટો બોલાવ્યો હતો. અમદાવાદમાં શુક્રવારે સવારથી જ વિવિધ બિલ્ડર ગ્રૂપને ત્યાં દરોડાની કાર્યવાહી શરૂ કરાઇ હતી. આ ઉપરાંત, ગુજરાતમાં મની લોન્ડરિંગ
કેસમાં ઑનલાઈન ગેમિંગ એપવાળા પર દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદ, કચ્છ, નવસારી, દિલ્હી સહિત ૧૪ સ્થળે ઇડીએ દરોડા પાડ્યા હતા.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલાં ઇડી અને આઇટી વિભાગ સક્રિય થઇ ગયો હતો અને ગુજરાતના અલગ અલગ શહેરોમાં કેન્દ્ર સરકારની આ બન્ને એજન્સીઓ દરોડા પાડી રહી છે. જેમાં મોટા માથાઓના નામ બહાર આવ્યા છે. આઇટી વિભાગે અમદાવાદના જાણીતા ગ્રૂપ સહિત ચાર ગ્રૂપ પર કાર્યવાહી કરી હતી અને બિલ્ડર ગ્રૂપ સાથે સંકળાયેલા અમદાવાદના ટોચના બે બ્રોકર પણ ઇન્કમટૅક્સ વિભાગના રડારમાં છે. આ કાર્યવાહીને પગલે આજે બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી ગયો છે.
લોકસભાની ચૂંટણી અને દિવાળીના તહેવારો સમયે બિલ્ડરોને ઘી કેળાં હોય છે ત્યારે ધૂમ બુકિંગની સિઝન વચ્ચે આઇટીની કાર્યવાહીથી અનેક ચર્ચા જાગી છે. અમદાવાદમાં સાયન્સ સિટી રોડ સહિત શહેરના અલગ અલગ વિસ્તારમાં પ્રોજેક્ટ ધરાવતા બિલ્ડરોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. જાણીતા બિલ્ડર્સના ઠેકાણા સહિત ૨૪ જેટલા સ્થળોએ આઇટી વિભાગની ટીમો પહોંચી હતી. ઇન્કમટૅક્સનો ૧૫૦થી પણ વધુ અધિકારીઓનો કાફલો તપાસમાં જોડાયો હતો. તપાસના અંતે મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ મળી આવે તેવી શક્યતા છે. આવકવેરા વિભાગને આ તમામ બિલ્ડર્સના ત્યાં બેનામી સંપત્તિ હોવાના ઇનપુટ મળ્યા હતા અને તેને પગલે આજે સવારથી આ કાર્યવાહી શરૂ કરાઇ તેથી બિલ્ડરો પણ ચોંકી ગયા હતા. કેટલાક બિલ્ડર ગ્રૂપને ત્યાં તપાસ મોડી રાત સુધી ચાલી રહી હતી. હાઇકોર્ટ પાસે આવેલી ઓફિસ સહિત અન્ય ઓફિસો પર પણ આવકવેરા વિભાગની તપાસ ચાલુ છે.
ઇડીએ એક ગેમિંગ એપ સાથે સંકળાયેલા લોકો પર તવાઈ બોલાવી હતી. ગુજરાતમાં મની લોન્ડરિંગ કેસમાં ઑનલાઈન ગેમિંગ એપવાળા પર દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદ, કચ્છ, નવસારી, દિલ્હી સહિત ૧૪ સ્થળે ઇડીએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન ઈલેક્ટ્રિક સાધનો સહિત કેટલાક દસ્તાવેજો પણ ઇડીના અધિકારીઓએ જપ્ત કર્યા હતા. આ દસ્તાવેજની વિગતવાર તપાસ બાદ સ્ફોટક ખુલાસા થઈ શકે છે.
આ પહેલા અમદાવાદમાં બે કેમિકલ કંપની પર આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન કર્યું હતુ. આ કેમિકલ કંપનીઓ પર પાંચ દિવસ સુધી આવકવેરા વિભાગની કાર્યવાહી ચાલી હતી અને આવકવેરા વિભાગની તપાસમાં ૨૦૦ કરોડ રૂપિયાના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા હતા.
ગુજરાતમાં જે એપ્લિકેશનવાળા પર દરોડા પડાયા છે તેમાં મોટાપાયે મનીલોન્ડરિંગ થયું હોવાની શંકા છે. આ ડેટા એપ્લિકેશન પર ઠગાઈના મામલે ઇડીએ સકંજો કસ્યો હોવાનું જાણવા મળ્યું હતુ. ઇડીએ પાલનપુરમાં સાયબર ક્રાઈમની એફઆઇઆરના આધારે તપાસ શરૂ કરી હતી. ચીની મૂળના શખસે ઓનલાઈન ગેમિંગ એપ બનાવીને હજારો ભારતીયો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ આચરી હતી આ એપમાં પ્રતિ ગેમમાં ઓછામાં ઓછો ૦.૭૫ ટકા રિટર્ન આપવાનો દાવો કરાતો હતો. ડિસેમ્બર ૨૦૨૧માં શરૂ થયેલી એપ્લિકેશન જૂન ૨૦૨૨માં બંધ થઈ ગઈ હતી. આ મામલે કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાના દાવાઓ થયા હતા પણ ગુજરાત પોલીસે આ દાવાઓને ખોટા ઠેરવ્યા હતા. હવે આ કેસમાં ઇડીની એન્ટ્રીથી કેસ ચર્ચાસ્પદ બની ગયો છે. ઇડીને આ કેસમાં મોટી સફળતા મળી હોવાના દાવા થઈ રહ્યાં છે.