TATA એરબસ ભારતના આ ઔદ્યોગિક જૂથ સાથે મળીને ભારતમાં હેલિકોપ્ટર ઉત્પાદન પ્લાન્ટ સ્થાપશે
નવી દિલ્હી: એવિએશન સેક્ટરની ફ્રાન્સ બેઝ્ડ કંપની એરબસે ભારતમાં હેલિકોપ્ટર પ્લાન્ટ સ્થાપવા અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. એરબસ હેલિકોપ્ટર્સે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે દેશમાં હેલિકોપ્ટર ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે ટાટા જૂથ સાથે ભાગીદારી કરી રહી છે. એરબસ હેલિકોપ્ટર્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે ‘સિવિલ રેન્જ’ના એરબસ H125 હેલિકોપ્ટરનું નિર્માણ ‘ફાઇનલ એસેમ્બલી લાઇન’ દ્વારા કરશે. ભારત અને કેટલાક પડોશી દેશોમાં નિકાસ માટે તેનું ઉત્પાદન કરવામાં આવશે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘ફાઇનલ એસેમ્બલી લાઇન’ (FAL) ભારતમાં ખાનગી ધોરણે હેલિકોપ્ટર ઉત્પાદન માટેનો પ્રથમ પ્લાન્ટ હશે. આનાથી ભારત સરકારના ‘આત્મનિર્ભર ભારત’ કાર્યક્રમને વેગ મળશે. આ ભાગીદારી હેઠળ ટાટા ગ્રૂપની પેટાકંપની ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) એરબસ હેલિકોપ્ટર સાથે પ્લાન્ટ સ્થાપશે.
આ જાહેરાત 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની ભારતની બે દિવસીય મુલાકાત દરમિયાન કરવામાં આવી હતી.
એરબસ હેલિકોપ્ટર્સે જણાવ્યું હતું કે તે ભારતમાં FAL મુખ્ય હેલીકોપ્ટરના ઘટકો એવિઓનિક્સ અને મિશન સિસ્ટમ્સ, ઇલેક્ટ્રિકલ હાર્નેસની સ્થાપના, હાઇડ્રોલિક સર્કિટ, ફ્લાઇટ કંટ્રોલ, ઇંધણ સિસ્ટમ્સ અને એન્જિનની એસેમ્બલી હાથ ધરશે. નિવેદન અનુસાર, ‘ફાઇનલ એસેમ્બલી લાઇન’ સ્થાપિત કરવા માટેનું સ્થાન એરબસ અને ટાટા ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે નક્કી કરવામાં આવશે.
એરબસના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ગિલેમ ફૌરીએ કહ્યું, “રાષ્ટ્ર નિર્માણ માટે હેલિકોપ્ટર મહત્વપૂર્ણ છે. ‘મેડ-ઈન-ઈન્ડિયા’ સિવિલ હેલિકોપ્ટર ન માત્ર આત્મવિશ્વાસપૂર્ણ નવા ભારતનું પ્રતીક બનશે, પરંતુ તે દેશના હેલિકોપ્ટર બજારની સંભાવનાને પણ ઉજાગર કરશે. અમે અમારા વિશ્વાસુ ભાગીદાર ટાટા સાથે મળીને હેલિકોપ્ટર માટે ‘ફાઇનલ એસેમ્બલી લાઇન’ બનાવીશું.
આ ભારતમાં એરોસ્પેસ ઇકોસિસ્ટમ વિકસાવવા માટે એરબસની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.” નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે આ એક ઐતિહાસિક દિવસ છે અને આ ભાગીદારી સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અને રોજગારીની તકોમાં વધારો કરશે.