તમે ટેલિકાસ્ટ રોકી શકો નહીંઃ સુપ્રીમ કોર્ટનો તમિલનાડુ સરકારને ઝટકો
નવી દિલ્હીઃ પ્રાણ પ્રતિષ્ઠાના લાઈવ ટેલિકાસ્ટ મામલે તમિલનાડુ સરકારને સુપ્રીમ કોર્ટનો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે તમિલનાડુ સરકારને નોટિસ પાઠવીને કહ્યું કે રામ મંદિરના ઉદ્ઘાટનના લાઈવ ટેલિકાસ્ટની પરવાનગી નકારી શકાય નહીં. સર્વોચ્ચ અદાલતમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ડીએમકેની સરકારે પ્રાણ પ્રતિષ્ઠાના જીવંત પ્રસારણ પર કથિત રીતે પ્રતિબંધ મૂક્યો છે.
એસસીએ કહ્યું કે પરવાનગી માત્ર એટલા માટે નકારી શકાય નહીં કારણ કે અન્ય સમુદાયો પડોશમાં રહે છે. સુપ્રીમ કોર્ટે સોમવારની સુનાવણી દરમિયાન તમિલનાડુ સરકારને કહ્યું કે આપણો એક સમપૂર સમાજ છે, તેથી આ ટેલિકાસ્ટ આવા કારણથી રોકી શકાય નહીં.
સુપ્રીમ કોર્ટે અધિકારીઓને કાયદા મુજબ કામ કરવા અને કોઈપણ મૌખિક આદેશ પર કામ ન કરવા કહ્યું. કોર્ટે કહ્યું કે અમને વિશ્વાસ છે કે અધિકારીઓ કાયદા મુજબ કામ કરશે. કોર્ટે કહ્યું કે અધિકારીઓએ સંબંધિત પરિમાણોને ધ્યાનમાં રાખવા પડશે.
તમિલનાડુ સરકાર પર પ્રહાર કરતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે કહ્યું હતું કે દુર્ભાગ્યે હિન્દુઓને નફરત કરતી ડીએમકે સરકાર દ્વારા પોલીસનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. શું કોઈપણ નાગરિકને PMનો કાર્યક્રમ જોવાની મનાઈ કરી શકાય. જે લોકો રામની પૂજા કરવા માગે છે તેઓને આ જોવાનું ગમશે. આ મારા અને દરેક હિન્દુના અધિકારોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.