નેશનલ

ભારે વરસાદને પગલે તમિળનાડુ જળબંબાકાર

પૂર: ભારે વરસાદને પગલે સોમવારે તિરુનેલવેલીના અનેક વિસ્તારો પર પૂરનાં પાણી ફરી વળ્યાં હતાં. (એજન્સી)

ચેન્નઈ: ભારે વરસાદને પગલે દક્ષિણ તમિળનાડુનાં અનેક ગામ, નગર, રસ્તા, હાઈવે પર પૂરનાં પાણી ફરી વળ્યાં હતાં તો થૂથૂકુડી વિસ્તાર નદીમાં ફેરવાઈ ગયો હતો.
રહેવાસી વિસ્તારમાં પણ પૂરના પાણી ફરી વળ્યા હતા અને એનેક ઘરો પાણીમાં ડૂબી જતાં લોકો ફસાઈ ગયા હતા.
તિરુનેલવેલીના સેવાલાપેરી વિસ્તારમાં અમુક બેમાળનાં ઘરોના ગભરાયેલા રહેવાસીઓ અગાશી પર જતા રહ્યા હતા.
મીનાક્ષીપુરમ વિસ્તારમાં પણ આ જ પ્રકારનાં દૃશ્યો જોવાં મળ્યાં હતાં. નાગરકોઈલસ્થિત નેસાવાલાર વિસ્તારમાં લગભગ ૧૦૦ જેટલા ઘર પર પૂરનાં પાણી ફરી વળ્યાં હતાં અને લોકોને સલામત સ્થળે ખસેડી રાહત છાવણીમાં મોકલી આપવામાં આવ્યા હતા. આવો ભારે
વરસાદ અને પૂર ક્યારેય નિહાળ્યા ન હોવાનું અનેક રહેવાસીઓએ કહ્યું હતું.
ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ, રાહત તેમ જ બચાવ ટુકડીઓ અને સ્થાનિક લોકોએ દોરડાની મદદથી ફસાયેલા લોકોને ઉગાર્યા હતા અને તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં મદદ કરી હતી.
શ્રીવાઈકુન્ડામ ખાતે જમીન ધસી પડવાને કારણે રેલવે ટ્રેકેનું પણ ધોવાણ થયું હતું. ફસાઈ ગયેલા ૮૦૦ જેટલા પ્રવાસીઓને ઉગારી લેવામાં આવ્યા હતા જેમાંથી ૫૦૦ પ્રવાસીઓને રેલવે સ્ટેશન પર અને ૩૦૦ પ્રવાસીને નજીકની સ્કૂલમાં ખસેડવામાં આવ્યા હતા.
ત્રિચુરેન્દરથી ચેન્નઈ જતી ટ્રેનના પ્રવાસીઓ ૨૦ કલાક જેટલો સમય ફસાઈ ગયા હતા.
ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને કારણે ટ્રેનોને અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી.
૨૪ કલાકમાં ૨૧ સે.મી. વરસાદને ભારેથી અતિભારે ૧૨થી ૨૦ સે.મી. વરસાદને ભારે ગણવામાં આવે છે.
અનેક વિસ્તારોમાં પાણીનાં સ્તર ચાર ફૂટ કરતા પણ વધી ગયો હતો.
રાહત અને બચાવ કામગીરી માટે ૮૪ બૉટ સેવામાં લગાડવામાં આવી હતી. ચાર જિલ્લામાં સરકારે સોમવારે રજા જાહેર કરી હતી. ૭૫૦૦ લોકોને ઉગારી લઈ ૮૪ રાહત છાવણીમાં તેમને ખસેડવામાં આવ્યા હતા.
ભારે વરસાદને કારણે રેલસેવા ખોરવાઈ હતી. પાણી રેલવે ટ્રેક પરથી વહી રહ્યાં હતાં. અનેક ટ્રેનોને અન્ય માર્ગે વાળવામાં આવી હતી.
તમિળનાડુમાં ૩૯ સ્થળે ભારેથી અતિભારે વરસાદ થયો હોવાનું હવામાન ખાતાએ કહ્યું હતું.
૧૯ ડિસેમ્બરે એટલે કે મંગળવારે પણ ભારે વરસાદ થવાની શક્યતા હોવાનું હવામાન ખાતાએ કહ્યું હતું. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button