તમિલનાડુના કરુરમાં રેલીમાં ભાગદોડ કેસની તપાસ સીબીઆઈએ શરુ કરી, 41 લોકોના થયા હતા મોત

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટેના આદેશ બાદ તમિલનાડુના કરુરમાં અભિનેતા વિજયની પાર્ટી ટીવીકેની રેલીમાં થયેલી ભાગદોડની તપાસ સીબીઆઈએ હાથ ધરી છે. આ દુર્ઘટનામાં 41 લોકો માર્યા ગયા હતા અને 60 થી વધુ ઘાયલ થયા હતા. સીબીઆઈની એક ખાસ ટીમે કરુરના વેલુસામીપુરમમાં અકસ્માત સ્થળની મુલાકાત લીધી છે. સીબીઆઈએ પોલીસની એફઆઈઆર ફરીથી નોંધી છે અને સ્થાનિક કોર્ટને જાણ કરી છે.
સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશની આગેવાનીમાં કમિટીની રચના
આ કેસ તમિલગા વેટ્ટી કઝગમ દ્વારા દાખલ કરાયેલી અરજી બાદ સુપ્રીમ કોર્ટે સીબીઆઈને સોંપ્યો છે. કોર્ટે સીબીઆઈ ડિરેક્ટરને તપાસ માટે એક વરિષ્ઠ અધિકારીને સોંપવા અને તેમને મદદ કરવા માટે અન્ય અધિકારીઓની નિમણૂક કરવાનો નિર્દેશ આપ્યો. કોર્ટે સીબીઆઈ તપાસની દેખરેખ રાખવા માટે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અજય રસ્તોગીની આગેવાની હેઠળ ત્રણ સભ્યોની સુપરવાઇઝરી કમિટીની રચના કરી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું નિષ્પક્ષ તપાસ જરૂરી
આ કેસમાં સુપ્રીમ કોર્ટની બેન્ચે નોંધ્યું કે, 27 સપ્ટેમ્બરના રોજ થયેલી ભાગદોડથી દેશભરના નાગરિકો પર અસર પડી છે. કોર્ટે જણાવ્યું હતું કે આ ઘટના નાગરિકોના જીવન અને મૂળભૂત અધિકારો સાથે સંકળાયેલી છે. તેથી તેની નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ જરૂરી છે. બેન્ચે એ પણ નોંધ્યું હતું કે કેટલાક વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ મીડિયામાં બેજવાબદાર નિવેદનો આપ્યા છે જે નિષ્પક્ષ તપાસ અંગે જાહેર શંકાઓ ઉભી કરી શકે છે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે ન્યાય વ્યવસ્થામાં જનતાનો વિશ્વાસ પુનઃસ્થાપિત થવો જોઈએ. જેની માટે નિષ્પક્ષ તપાસ જરૂરી છે.
આ પણ વાંચો…તમિલનાડુના કરૂર જિલ્લામાં અભિનેતા વિજયની રેલીમાં નાસભાગ, 31 લોકોના મોતની આશંકા



