તમિલનાડુ સરકારે રાજ્યની ‘સ્વાયત્તતા’ માટે બનાવી હાઈ લેવલ કમિટી…
મુખ્ય પ્રધાન સ્ટાલિને કેન્દ્ર સરકારે સામે ખોલ્યો મોરચો, 'ત્રિભાષા'નો વિરોધ

ચેન્નઈઃ તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને સૌથી મોટું પગલું ભરતા રાજ્યની સ્વાયત્તતા માટે એક હાઈ લેવલની કમિટીનું ગઠન કર્યું છે. આ સમિતિ કેન્દ્ર સરકાર સામેના તનાવની વચ્ચે બનાવી છે. મુખ્ય પ્રધાન સ્ટાલિનનું કહેવું છે કે કેન્દ્ર સરકાર સતત રાજ્ય સરકારના અધિકારોમાં દખલગીરી કરે છે, તેથી રાજ્યની સ્વાયતત્તાને બચાવવા માટે પગલું ભર્યું છે. આ પેનલની આગેવાની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ કુરિયન જોસેફ કરશે તથા આ પેનલ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વચ્ચેના સંબંધોનો અભ્યાસ પણ કરશે.
રાજ્યની સ્વાયત્તતાનો રક્ષણ કરવાનો રહેશે ઉદ્દેશ
આ સમિતિનો મુખ્ય ઉદ્દેશ તો રાજ્ય સરકારની સ્વાયત્તતાનો રક્ષા કરવાનો રહેશે. સ્ટાલિને રાજ્યની વિધાનસભાને જણાવ્યું છે કે પેનલ જાન્યુઆરી, 2026માં એક રિપોર્ટ આપશે. એા પછી બે વર્ષમાં રિપોર્ટ અને ભલામણો પણ મોકલવામાં આવશે. એના માધ્યમથી રાજ્ય સરકાર પોતાના અધિકારોને વધારે મજબૂત કરવા ઈચ્છે છે.
ગવર્નર પર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યા પછી ભર્યું પગલું
રાજ્ય સરકારે આ પગલું એવા સમયે ભર્યું છે, જ્યારે રાજ્ય સરકારે વિધાનસભામાં પસાર કરેલા 10 બિલને રાજ્યપાલની મંજૂરી વિના કાયદો ગણાવ્યા હતા. આ સુપ્રીમ કોર્ટના એક નિર્ણય પછી સંભવિત બન્યું હતું. આઠમી એપ્રિલના સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રાજ્યપાલ આરએન રવિએ 10 બિલની મંજૂરી રોકવાની બાબત ‘ગેરકાયદે’ હતી. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જેબી પારડીવાલા અને મહાદેવનનની બેન્ચે કહ્યું હતું કે રાજ્યપાલ બંધારણીય રીતે રાજ્યની વિધાનસભાની સલાહ પર કાર્ય કરવા માટે બંધાયેલા છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારના સંબંધો પર કરાશે અભ્યાસ
હવે સ્ટાલિન સરકારે રાજ્યની સ્વાયતત્તા મુદ્દે વિચાર કરવા માટે જે સમિતિની રચના કરી છે, તેમાં પૂર્વ અમલદાર અશોક વર્ધન શેટ્ટી અને રાજ્યના આયોજન પંચના પૂર્વ ઉપપ્રમુખ એમ નાગનાથન પણ સભ્ય રહેશે. સ્ટાલિને કહ્યું હતું કે કમિટી કાયદા મુજબ યાદીમાંથી સમવર્તી યાદીમાં તે વિષયોનો સ્થાનાંતરણનો અભ્યાસ કરશે. આ ઉપરાંત, નીટની પરીક્ષા રાજ્યોના અધિકારક્ષેત્રની બહાર છે. ઉપરાંત, રાજ્ય સરકારે રાજ્યમાં ત્રિભાષાનો પણ જોરદાર વિરોધ કર્યો હતો. આ સમિતિ રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા માટે અભ્યાસ કરશે અને તેની ભલામણો આપશે.