કલ્લાકુરિચી : તમિલનાડુના(Tamilnadu)કલ્લાકુરિચી જિલ્લામાં લઠ્ઠાકાંડની ઘટના સામે આવી છે . જેમાં ઝેરીલી શરાબ(Spurious Liquor)પીવાના લીધે અત્યાર સુધી 25થી વધુ લોકોના મોત થયા છે અને 60 થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે. કલ્લાકુરિચીના જિલ્લા કલેક્ટર એમએસ પ્રશાંતે જિલ્લાની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને મળ્યા હતા. મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને મૃત્યુ પર શોક વ્યક્ત કરતા કહ્યું કે આ કેસમાં અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.
દારૂમાં ‘મિથેન’ મળી આવ્યું
સરકારે કહ્યું કે આ સંબંધમાં 49 વર્ષીય કે. કન્નુકુટ્ટીની ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસેથી જપ્ત કરાયેલા લગભગ 200 લિટર ગેરકાયદે દારૂની તપાસમાં જાણવા મળ્યું છે કે તેમાં જીવલેણ ‘મિથેન’ છે. મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ઘટનાની સંપૂર્ણ તપાસ માટે CB-CID તપાસના આદેશ આપ્યા છે. સરકારે ઘટના બાદ કલ્લાકુરિચી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રવણ કુમાર જાટાવથની બદલી કરી હતી, જ્યારે પોલીસ અધિક્ષક સમય સિંહ મીનાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અન્ય નવ પોલીસકર્મીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં કલ્લાકુરિચી જિલ્લાની પ્રોહિબિશન શાખાના લોકોનો પણ સમાવેશ થાય છે.
સ્ટાલિને અસરગ્રસ્ત પરિવારોને તમામ સહાય પૂરી પાડવા વરિષ્ઠ મંત્રીઓ ઇવી વેલુ અને એમએ સુબ્રમણ્યમને કલ્લાકુરિચી મોકલ્યા હતા. એમએસ પ્રશાંત અને રજત ચતુર્વેદીની અનુક્રમે કલ્લાકુરિચી જિલ્લાના નવા જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે.
રાજ્યપાલે શોક વ્યક્ત કર્યો
તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિએ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો અને ‘ગંભીર ચિંતા’ વ્યક્ત કરી. રાજ્યપાલ રવિએ રાજભવનના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કહ્યું, ‘કલ્લાકુરિચીમાં ગેરકાયદે દારૂ પીવાથી લોકોના મૃત્યુના સમાચારથી ખૂબ જ દુઃખ થયું. ઘણા વધુ પીડિતો ગંભીર હાલતમાં છે અને જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહ્યા છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના અને હોસ્પિટલમાં દાખલ થયેલા લોકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.