
નવી દિલ્હીઃ એચપીઝેટ ટોકન મોબાઇલ એપ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં અભિનેત્રી તમન્ના ભાટીયાની પૂછપરછ કરવામાં આવી હોવાનું ઈડીના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. આ એપથી બિટકોઈન તથા અન્ય કેટલીક ક્રિપ્ટોકરન્સીના બહાને રોકાણકારોની કથિત રીતે ઠગાઈ કરવામાં આવી હતી.
ઈડીએ કહ્યું કે, અભિનેત્રીનું નિવેદન તેમના કાર્યાલયમાં પીએમએલએ અંતર્ગત નોંધવામાં આવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું, એપ કંપનીના એક કાર્યક્રમમાં સેલિબ્રિટી તરીકે સામેલ થવા પર ભાટિયાને કેટલીક રકમ આપવામાં આવી હતી અને તેની સામે કોઈ આરોપ નહોતો. તેને પહેલા પણ બોલાવવામાં આવી હતી પરંતુ કામના કારણે સમન્સ ટાળી દીધું હતું અને ગુરુવારે રજૂ થવાનો ફેંસલો કર્યો હતો. માર્ચમાં આ મામલે ઈડીએ દાખલ કરેલી ચાર્જશીટમાં 299 સંસ્થાઓને આરોપી બનાવાયા છે.
આ મામલો કોહિમા પોલીસની સાઇબર ક્રાઇમ યુનિટ સમક્ષ આવ્યો હતો. જેમાં અનેક આરોપીઓ પર વિવિધ કલમો અંતર્ગત બિટકોઇન તથા અન્ય ક્રિપ્ટોકરન્સી તરફથી પણ તગડું વળતર આપવાનો વાયદો કરીને નિર્દોષ નાગરિકોને ઠગવાનો આરોપ લગાવાયો છે.
પોલીસે કહ્યું કે, રોકાણકારોને છેતરવા માટે આરોપીઓ દ્વારા એચપીઝેડ ટોકન મોબાઇલ ફોન એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એજન્સીએ કહ્યું કે, પોતાની આવકને વિદેશમાં મોકલવા માટે શેલ કંપનીઓ તરફથી બેંક ખાતા અને મર્ચન્ટ આઈડી ખોલવામાં આવ્યા હતા.
આ ઉપરાંત એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે આ રૂપિયા ઑનલાઇન ગેમિંગ અને સટ્ટાબાજી તથા બિટકોઈન રોકાણ માટે છેતરપિંડીથી હાંસલ કરવામાં આવ્યા હતા. ઈડીએ કહ્યું હતું કે, 57000 રૂપિયાના રોકાણ માટે ત્રણ મહિના સુધી પ્રતિદિન 4000 રૂપિયાનું રિટર્ન આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો, પંરતુ પૈસાની ચૂકવણી માત્ર એક વખત કરવામાં આવી હતી. જે બાદ આરોપીએ દ્વારા રોકાણકારો પાસેથી નવા ફંડની માંગ કરવામાં આવી હતી. ઈડીએ કહ્યું કે, આ મામલે દેશભરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જે બાદ 455 કરોડ રૂપિયાની અચલ સંપત્તિ અને જમા રાશિ જપ્ત કરી હતી.