ઓડિસામાં ભાજપ-બીજેડી ગઠબંધન અંગેની વાતચીત નિષ્ફળ, જાણો કોકડું ક્યાં ગુચવાયું છે?
આગામી લોકસભા ચૂંટણી માટે ઓડિસામાં સત્તારૂઢ બીજેડી (બીજુ જનતા દળ) અને ભાજપ વચ્ચે સીટોની વહેંચણી અંગેની વાતચીત નિષ્ફળ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બંને પક્ષો તેમની માંગને લઈને અડગ છે કોઈ પક્ષ ઓછી સીટો સ્વિકારવા રાજી નથી, ખાસ કરીને વિધાનસભા બેઠકો પર કોકડું વધુ ગુંચવાયું છે, કારણ કે લોકસભાની સાથે, રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાવાની છે. નવીન પટનાયકની આગેવાની હેઠળની બીજુ જનતા દળ કુલ 147 વિધાનસભા બેઠકોમાંથી ઓછામાં ઓછી 100 બેઠકો ઈચ્છે છે. લોકસભા માટે ભાજપ બે તૃતિયાંશ બેઠકો પર ચૂંટણી લડશે તે અંગે સહમતિ કેટલાક અંશે બની છે.
બંને પક્ષો તેમની માગને લઈ મક્કમ
મીડિયા અહેવાલ મુજબ બીજેડી અને ભાજપ વચ્ચે ગઠબંધનની વાતચીત સીટોની વહેંચણીને લઈ અટકી ગઈ છે. બિજેડીએ વિધાનસભાની 147 સીટોમાંથી 112, લગભગ 75 ટકા સીટો માંગી છે, પરંતુ ભાજપને આ પ્રસ્તાવ મંજુર નથી. હાલ ઓડિયા વિધાનસભામાં બીજેડીના 114 ધારાસભ્યો છે.
તે જ પ્રકારે ભાજપ રાજ્યની 21 લોકસભા સીટોમાંથી 14 માગી રહી હતી, જેને બીજેડીએએ ફગાવી દીધી છે. બિજેડી વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં 12 સીટ જીતી હતી. જ્યારે ભાજપે 9 સીટ પર વિજય પતાકા લહેરાવી હતી. બિજેડીના એક સિનિયર નેતાએ કહ્યું કે 10થી ઓછી લોકસભા સીટો પર જીતવું અમારા માટે આત્મઘાતી પગલું બની રહેશે.
ભાજપ એકલા હાથે ચૂંટણી લડશે?
ઓડિસામાં સત્તારૂઢ બીજુ જનતા દળ અને ભાજપના નેતાઓએ ગઠબંધન અંગે દિલ્હીમાં અનેક વખત ચર્ચા કરી હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનમોહન સામલે દિલ્હીથી પરત ફર્યા બાદ કહ્યું કે અમારી પાર્ટી રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડશે. ભાજપ ઓડિસામાં લોકસભા અને અને વિધાનસભાની ચૂંટણી જીતવાને લઈ નિશ્ચિંત છે. પાર્ટી બંને ચૂંટણી પોતાના દમ પર લડશે.