નેશનલ

મેં પાંચ વર્ષમાં ઈશાન ભારત માટે જે કર્યું તે કરવા કૉંગ્રેસને 20 વર્ષ લાગ્યા હોત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ઈટાનગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે એવો દાવો કર્યો હતો કે તેમની સરકાર દ્વારા ઈશાન ભારતમાં જે વિકાસના કામો પાંચ વર્ષમાં કરવામાં આવ્યા હતા તે કરવા માટે કૉંગ્રેસને 20 વર્ષ લાગ્યા હોત.

વડા પ્રધાન અરુણાચલ પ્રદેશના ઈટાનગરમાં ‘વિકસિત ભારત, વિકસિત નોર્થ-ઈસ્ટ’ કાર્યક્રમમાં રૂ. 55,600 કરોડના વિકાસના કામોનું અનાવરણ કર્યા બાદ બોલી રહ્યા હતા.

ઈશાન ભારત આગામી દિવસોમાં દક્ષિણ એશિયા અને પૂર્વ એશિયા સાથે વ્યાપાર, ટુરિઝમ અને અન્ય ક્ષેત્રે સંબંધોમાં મજબૂત કડી બની રહેશે. આજે રૂ. 55,000 કરોડના પ્રોજેક્ટનું અનાવરણ કરવામાં આવ્યું છે, એમ તેમણે કહ્યું હતું.

અમે છેલ્લા પાંચ વર્ષમાં જે કામ ઈશાન ભારત માટે કર્યું છે તે કરવા માટે કૉંગ્રેસને 20 વર્ષ લાગ્યા હોત, એમ વડા પ્રધાન મોદીએ કહ્યું હતું.

વડા પ્રધાને એમ પણ કહ્યું હતું કે અરુણાચલ પ્રદેશની મુલાકાત લેનારી કોઈપણ વ્યક્તિ જોઈ શકે છે કે ‘મોદીની ગેરેન્ટી’ શું છે.

આખું ઈશાન ભારત જોઈ રહ્યું છે કે મોદીની ગેરેન્ટી કેવી રીતે કામ કરે છે, એમ તેમણે કહ્યું હતું.

વડા પ્રધાને એમ પણ કહ્યું હતું કે જ્યારે તેઓ દેશના વિકાસ માટે કામ કરી રહ્યા છે ત્યારે વિપક્ષના બનેલા ‘ઈન્ડિયા’ ગઠબંધનના નેતાઓ તેમના પર ‘હુમલા’ કરી રહ્યા છે.

2019માં ભૂમિપૂજન બાદ સેલા ટનલનું ઉદ્ઘાટન ‘મોદીની ગેરેન્ટીનો પુરાવો’ છે, એમ તેમણે કહ્યું હતું.

કેટલાક લોકોને એવું લાગ્યું હતું કે મેં વ્યૂહાત્મક ટનલનું ભૂમિપૂજન ચૂંટણીના એજેન્ડા તરીકે કર્યું હતું, પરંતુ આ લોકો આજે ખોટા પુરવાર થયા છે, એમ પણ મોદીએ કહ્યું હતું. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button