સ્વાસ્થ્યનું ધ્યાન રાખો… અને મંચ પર જ ઢળી પડ્યા પ્રોફેસર

કાનપુરઃ આઈઆઈટી કાનપુરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અને આ ઘટના વિશે સાંભળનારા દરેકની આંખો પહોળી થઈ ગઈ હતી. અહીં એક સિનિયર પ્રોફેસર અને સ્ટુડન્ટ વેલફેર ડીનના પદ પર તહેનાત સમીર ખાંડેકરનું હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું. પ્રો.ખાંડેકર સ્ટેજ પર સ્પીચ આપી રહ્યા હતા એ સમયે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તાત્કાલિક પ્રોફેસરને કાર્ડિયોલોજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
પ્રોફેસર ખાંડેકર શુક્રવારે આઈઆઈટી ઓડિટોરિયમમાં એલુમનાઈ મીટના કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા અને એ સમયે તેઓ સારા આરોગ્ય વિશે વાત કરી રહ્યા હતા. તેમના છેલ્લાં શબ્દ હતા કે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો અને એટલું બોલતા જ અચાનક તમને છાતીમાં દુઃખાવો થયો અને તેઓ મંચ પર જ બેસી ગયા હતા. લોકોને લાગ્યું કે તેઓ ભાવુક થઈ રહ્યા છે અને કોઈ કંઈ પણ સમજે એ પહેલાં જ તેમને પરસેવો વળવા લાગ્યો અને તેઓ મંચ પર જ ઢળી પડ્યા હતા.
હાજર લોકોએ તેમને તાત્કાલિક કાર્ડિયોલોજી હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ડોક્ટરે તેમને ત્યાં મૃત જાહેર કર્યા હતા. જોકે, મૃત્યુનું ચોક્કસ કારણ તો પોસ્ટમોર્ટમ પછી જ જાણી શકાશે, એવું ડોક્ટરે વધુમાં જણાવ્યું હતું.
પ્રોફેસર ખાંડેના નજીકના લોકોએ જણાવ્યું હતું કે દીકરાના આવ્યા બાદ જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પ્રોફેસરની ઉંમર 55 વર્ષની હતી અને તેમના પરિવારમાં માતા-પિતા સિવાય પત્ની અને એક દીકરાનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાક સમયથી હાર્ટએટેક આવવાના પ્રમાણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.