તૈજુલ ઈસ્લામે ન્યૂઝીલેન્ડ સામેબંગલાદેશને વિજય અપાવ્યો
ટેસ્ટ મેચમાં બીજીવાર ૧૦ વિકેટ ઝડપી
સિલ્હટ: ડાબોડી સ્પીનર તૈજુલ ઈસ્લામે પોતાની કારકિર્દીમાં બીજીવાર એક ટેસ્ટ મેચમાં ૧૦ વિકેટ ઝડપતા ન્યુઝીલેન્ડ સામે બંગલાદેશનો ૧૫૦ રને વિજય થયો હતો. ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝની આ પ્રથમ મેચમાં તૈજુલે પહેલા દાવમાં ૧૦૯ રને ચાર વિકેટ ઝડપી હતી અને બીજા દાવમાં ૭૫ રનમાં છ વિકેટ ઝડપતાં ન્યુઝીલેન્ડનો બીજો દાવ ૧૮૧ રને સમેટાયો હતો. ન્યુઝીલેન્ડને જીતવા માટે ૩૩૨ રનની જરૂર હતી. બંગલાદેશના ઑફ સ્પીનર નઈમ હસને ૪૦ રનમાં બે વિકેટ, મહેદી
હસને ૪૪ રનમાં એક વિકેટ અને ઝડપી બોલર શોરીફુલ ઈસ્લામે ૧૩ રનમાં એક વિકેટ ઝડપી હતી.
ન્યુઝીલેન્ડે આજે (શનિવારે) મેચના પાંચમા દિવસે સાત વિકેટે ૧૧૩ રનથી દાવની શરૂઆત કરી હતી. ન્યુઝીલેન્ડ તરફથી ડેરીલ મિચેલે ૧૨૦ બોલ રમીને ૫૮ રન ફટકાર્યા હતા અને તેણે ટીમમાં સૌથી વધારે રનનો ફાળો આપ્યો હતો. બીજુ બાજુ ઈશ સોઢીએ ૯૧ બોલમાં ૨૨ રન કરીને પોતાની ટીમને હારમાંથી બચાવવાની કોશિશ કરી હતી. ઈશ સોઢીને પણ તૈજુલ ઈસ્લામે જ આઉટ કર્યો હતો.
બંગલાદેશે પહેલી ઈનિંગમાં ૩૧૦ રન કર્યા હતા, તેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ ૩૧૭ રન કરીને આઉટ થઈ હતી. જેમાં કેન વિલિયમસનના ૧૦૪ રનનો સમાવેશ થતો હતો.
બંગલાદેશની ટીમમાં આ વખતે યુવા ખેલાડીઓ વધુ હતા. તેમાંય બંગલાદેશની ટીમનું સુકાન નજમૂલ હુસેન શાન્ટોને સોંપવામાં આવ્યું હતું. શાન્ટોએ બંગલાદેશના બીજા દાવમાં સદી ફટકારી હતી. તેણે ૧૦૫ રન કરીને પોતાની ટીમનો સ્કોર ૩૩૮ કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો.
શાન્ટોએ બંગલાદેશનો પ્રથમ સુકાની બન્યો હતો, જેણે પોતાની પહેલી જ ટેસ્ટ મેચમાં સુકાની તરીકે સદી ફટકારી હતી.
ન્યુઝીલેન્ડ સામેની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ છઠ્ઠી ડિસેમ્બરે મીરપુરમાં શરૂ થવાની છે.