જાણીતા તબલાવાદક ઝાકિર હુસૈનનું 73 વર્ષની વયે નિધન, અમેરિકામાં લીધા અંતિમ શ્વાસ…

સાન ફ્રાન્સિકોઃ જાણીતા તબલાવાદક ઝાકિર હુસૈનનું (Ustad Zakir Hussain)73 વર્ષની વયે અમેરિકામાં નિધન થયું હતું. તેમને હાર્ટની સમસ્યાને (Heart Problem) લઈ સાન ફ્રાન્સિસ્કોની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો જન્મ 9 માર્ચ, 1951ના રોજ મુંબઈમાં થયો હતો. પ્રારંભિક શિક્ષણ મુંબઈના માહિમની સેન્ટ માઈકલ સ્કૂલમાંથી મેળવ્યું હતું. આ ઉપરાંત મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. ઝાકિર હુસૈને માત્ર 11 વર્ષની ઉંમરે અમેરિકામાં પોતાનો પહેલો કોન્સર્ટ કર્યો હતો.
ઝાકિર હુસૈન બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડાતા હતા
ઉસ્તાદ ઝાકિર હુસૈનના નજીકના એક સૂત્રએ કહ્યું, 73 વર્ષીય તબલા વાદકને બ્લડ પ્રેશરની સમસ્યા હતી. તેઓ છેલ્લા એક અઠવાડિયાથી સાન ફ્રાન્સિસ્કોમાં હૃદયની સમસ્યા સાથે હૉસ્પિટલમાં દાખલ હતા. ઝાકિર હુસૈનના પિતા અલ્લાહ રખા પણ પ્રસિદ્ધ તબલા વાદક હતા.
મુંબઈમાં જન્મ
પ્રખ્યાત તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનો જન્મ 1951માં મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં થયો હતો. ઉસ્તાદ ઝાકિર હુસૈનને મહાન તબલા વાદકોમાંના એક માનવામાં આવે છે. ભારત સરકારે તેમને પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા. 1999માં, તેમને યુ. એસ. નેશનલ એન્ડોવમેન્ટ ફોર આર્ટ્સ દ્વારા નેશનલ હેરિટેજ ફેલોશિપ એનાયત કરવામાં આવી હતી, ત્યારબાદ ઉસ્તાદ ઝાકિર હુસૈનને ભારતીય શાસ્ત્રીય સંગીતના વૈશ્વિક રાજદૂત તરીકે માન્યતા આપવામાં આવી હતી.
તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ વ્હાઇટ હાઉસ ખાતે ઓલ-સ્ટાર ગ્લોબલ કોન્સર્ટ માટે આમંત્રિત કર્યા હોય તેવા પ્રથમ ભારતીય સંગીતકાર છે. તેમની કારકિર્દીની શરૂઆતની વાત કરીએ તો, તેમણે માત્ર ત્રણ વર્ષની ઉંમરે સંગીત શીખવાનું શરૂ કર્યું હતું. તેમણે સાત વર્ષની ઉંમરે પોતાનું પ્રથમ પર્ફોમંસ આપ્યું હતું.
ઝાકિર હુસૈને કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેમણે 1983માં બ્રિટિશ ફિલ્મ હીટ એન્ડ ડસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં શશિ કપૂરે પણ કામ કર્યું હતું. ઝાકિર હુસૈને 1998માં આવેલી ફિલ્મ સાઝમાં પણ કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેમની સામે શબાના આઝમી હતી. આ ફિલ્મમાં ઝાકિર હુસૈને શબાનાના પ્રેમીની ભૂમિકા ભજવી હતી. ઝાકિર હુસૈનને પણ મુગલ-એ-આઝમ (1960) ફિલ્મમાં સલીમના નાના ભાઈની ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તે સમયે તેમના પિતાએ તેમને મંજૂરી આપી ન હતી.