સીરિયા: ડ્રોન હુમલામાં ૮૦નાં મોત, ૨૪૦ ઘાયલ
બેરૂત: સીરિયાના શહેર હોમ્સમાં લશ્કરી પદવીદાન સમારોહ વખતે ગુરુવારે થયેલા ડ્રોન હુમલામાં મૃત્યુઆંક વધીને ૮૦ અને ઘાયલોની સંખ્યા વધીને ૨૪૦ થઈ હોવાની સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી હતી.
આ હુમલો તાજેતરના વર્ષોમાં સીરિયન સૈન્ય પરના સૌથી ઘાતક હુમલાઓમાંનો એક હતો. આરોગ્ય પ્રધાન હસન અલ-ગબાશે જણાવ્યું હતું કે માર્યા ગયેલાઓમાં છ બાળક સહિત નાગરિકો અને લશ્કરી કર્મચારીઓનો સમાવેશ થાય છે. ઘણા ઘાયલોની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.
અગાઉ સીરિયાનાં સૈન્યએ જણાવ્યું હતું કે વિસ્ફોટકોથી ભરેલા ડ્રોને યુવાન અધિકારીઓ અને તેમના પરિવારોથી ભરેલા સમારોહને નિશાન બનાવ્યો હતો. તેણે કોઈ ચોક્કસ જૂથનું નામ લીધા વિના, હુમલા માટે “જાણીતા આંતરરાષ્ટ્રીય દળો દ્વારા સમર્થિત બળવાખોરો પર આરોપ મૂક્યો હતો. તાત્કાલિક કોઈ જૂથે હુમલાની જવાબદારી લીધી નથી.
યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે હોમ્સમાં થયેલા ડ્રોન હુમલા તેમ જ ઉત્તર પશ્ર્ચિમ સીરિયામાં જવાબી ગોળીબારના અહેવાલો પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. સીરિયાના સરકારી ટેલિવિઝને જણાવ્યું હતું કે સરકારે શુક્રવારથી ત્રણ દિવસના શોકની જાહેરાત કરી છે.