નેશનલ

સુનિતા કેજરીવાલની ‘હાશ! શાંતિ થઇ’ વાળી પોસ્ટ પર સ્વાતી માલિવાલે આપી કંઇક આવી પ્રતિક્રિયા….

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના પીએ બિભવ કુમારને AAPના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસમાં જામીન મળી ગયા છે. અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે એક્સ પર વિભવનો ફોટો શેર કરીને કોર્ટના આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી હતી. સુનીતાએ લખ્યું, ‘ હાશ, શાંતિનો દિવસ’. હવે સ્વાતિ માલીવાલે સુનીતા કેજરીવાલની આ પોસ્ટ પર આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું છે કે, ‘મુખ્ય પ્રધાનના પત્ની, જ્યારે મને મારવામાં આવી ત્યારે ઘરે જ હતા. તેઓ ખૂબ જ રાહત અનુભવી રહ્યા છે. તેઓ રાહત એટલા માટે અનુભવી રહ્યા છે કારણ કે જે વ્યક્તિએ મને તેમના ઘરમાં માર માર્યો હતો, તે શરતી જામીન પર બહાર આવ્યો છે.

સ્વાતિ માલીવાલે આગળ લખ્યું હતું કે, ‘આના પરથી દરેકને સ્પષ્ટ સંદેશ મળે છે કે, મહિલાઓને મારો, તેની ગંદી ટ્રોલિંગ કરો, પીડિતાને સંપૂર્ણ રીતે બરબાદ કરી દો અને પછી તે માણસને કોર્ટમાં બચાવવા માટે દેશના સૌથી મોંઘા વકીલોની ફોજ ઉતારી દો! આવા લોકો પાસેથી બહેન-દીકરીઓ માટે આદરની શું અપેક્ષા રાખી શકાય? ભગવાન બધું જોઈ રહ્યા છે. ભગવાન જ ન્યાય કરશે.

આ કેસમાં કોર્ટે કહ્યું હતું કે તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ કેસમાં 51થી વધુ લોકોએ જુબાની આપવાની છે. ટ્રાયલ પૂર્ણ થવામાં સમય લાગશે. બ્ભવકુમાર 100 દિવસની કસ્ટડીમાં રહ્યો છે પહેલાથી જ પૂર્ણ થયેલી તપાસમાં તે અડચણો ઊભી કરી શકશે નહીં. પોલીસે જ્યારે કોર્ટમાં સાક્ષીઓને પ્રભાવિત કરવાની આશંકા વ્યક્ત કરી હતી ત્યારે જજે જણાવ્યું હતું કે જો સાક્ષીઓ પ્રભાવિત થશે તો બિભવકુમારની જામીનની છૂટ પાછી ખેંચી લેવામાં આવશે.

સ્વાતિ માલીવાલ પર હુમલાનો સમગ્ર મામલો શું છે તે આપણે ટૂંકમાં જાણીએ. 10 મેના રોજ સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને લોકસભાની ચૂંટણીમાં પ્રચાર કરવા માટે વચગાળાના જામીન આપ્યા હતા. આ પછી સ્વાતિ માલીવાલ 13 મેના રોજ તેમને મળવા મુખ્ય પ્રધાન આવાસ પર પહોંચી હતી. સ્વાતિ પાસે એપોઇન્ટમેન્ટ ન હતી. તેને ગેટ પર જ અટકાવવામાં આવી હતી, પરંતુ સ્વાતિએ સુરક્ષા કર્મચારીઓ સાથે દલીલ કરી અને અંદર ગઈ. જ્યારે તે અરવિંદ કેજરીવાલના રૂમ તરફ જવા લાગી ત્યારે બિભવ કુમારે તેને રોકી હતી. સ્વાતિનો આરોપ છે કે તે દરમિયાન બિભવે તેની સાથે મારપીટ કરી હતી.

બિભવ કુમારની વાત કરીએ તો તે બિહારના સાસારામનો રહેવાસી છે. તેણે BHUમાંથી અભ્યાસ કર્યો છે. તેને 2015માં અરવિંદ કેજરીવાલના ખાનગી સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો, ત્યારથી તે તેમની સાથે છે. સુનીતા કેજરીવાલે સોશિયલ મીડિયા પર બિભવકુમારનો ફોટો શેર કર્યો છે, જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે બિભવ કુમાર અરવિંદ કેજરીવાલ માટે ઘણો ખાસ છે. આ સિવાય જ્યારે ઈડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી ત્યારે માત્ર છ લોકો જેલમાં અરવિંદ કેજરીવાલને મળી શક્યા હતા, તેમાં બિભવ કુમારનું પણ નામ હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button