Swati Maliwal assaulted : સ્વાતિ માલીવાલ સાથે દિલ્હીના સીએમ હાઉસમાં મારપીટ! ભાજપે કેજરીવાલ પર કર્યા પ્રહાર

નવી દિલ્હી: આમ આદમી પાર્ટી(AAP)ના રાજ્યસભા સાંસદ અને દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલ(Swati Maliwal)એ સોમવારે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના પર્સનલ આસિસ્ટન્ટ(PA) પર ગંભીર આરોપ લગાવ્યા હતા. સ્વાતિ માલીવાલે આરોપ લગાવ્યો કે, ‘મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના પીએ વિભવ કુમારે દિલ્હીના સીએમ હાઉસમાં તેમની સાથે મારામારી કરી હતી.’
એક અહેવાલ મુજબ આજે સવારે સ્વાતિ માલીવાલ સોમવારે સવારે 9.10 વાગ્યે સિવિલ લાઈન્સ સ્થિત સીએમ હાઉસ પહોંચ્યા હતા. તેઓ મુખ્ય પ્રધાન કેજરીવાલને મળવા માંગતા હતા, પરંતુ મુખ્ય પ્રધાનના અંગત સ્ટાફે તેને મળવાની મંજૂરી આપી ન હતી. સ્વાતી માલીવાલે સવારે 9.31 વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યો. આ કોલ સવારે 9.34 વાગ્યે નોર્થ કંટ્રોલ રૂમમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
દિલ્હી પોલીસની ડેઈલી ડાયરી (DD) એન્ટ્રી મુજબ પોલીસને સવારે 9.34 વાગ્યે કોલ મળ્યો હતો. પોલીસ લોગશીટ મુજબ, ફોન પર જણાવવામાં આવ્યું કે હું અત્યારે સીએમના ઘરે છું, સીએમના પીએ વિભવ કુમાર સાથે ખરાબ રીતે મારપીટ કરી રહ્યો છે.
આ જાણકારી બાદ પોલીસ ઓફિસર સીએમ આવાસ પર પહોંચ્યા. જ્યારે પોલીસ સીએમ હાઉસ પહોંચી તો સ્વાતિ માલીવાલ ત્યાંથી રવાના થઈ ગયા હતા.
પોલીસે ફોન પર સ્વાતિ માલીવાલને પોલીસ સ્ટેશન આવવા સમજાવ્યા. થોડીવાર પછી માલીવાલ પોલીસ સ્ટેશન પહોંચ્યા. દરમિયાન તેમના પર થયેલા હુમલાના સમાચાર વાયરલ થઇ ગયા. થોડી જ વારમાં સ્વાતી માલીવાલ પોલીસ સ્ટેશનથી નીકળી ગયા. જોકે, તેઓ પછી લેખિત ફરિયાદ કરીશ તેમ કહીને ત્યાંથી નીકળી ગયા હતા.
આ મામલામાં દિલ્હી પોલીસનું કહેવું છે કે સ્વાતિ માલીવાલ સિવિલ લાઇન પોલીસ સ્ટેશન આવ્યા હતા, તેણે ઘટના વિશે જણાવ્યું છે, અમે વેરિફિકેશન કરી રહ્યા છીએ. જોકે, પોલીસનું કહેવું છે કે સ્વાતિએ આ મામલે કોઈ લેખિત ફરિયાદ આપી નથી.
આ ઘટના વિષે ભાજપે આપ પર પ્રહાર કર્યા છે. ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ કહ્યું કે આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ અને દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આરોપ લગાવ્યો છે કે દિલ્હીના મુખ્યપ્રધાનના પીએ તેમની સાથે મારપીટ કરી છે. આ કોલ દિલ્હીના સીએમ હાઉસમાંથી કરવામાં આવ્યો હતો. યાદ રહે કે સ્વાતિ માલીવાલે કેજરીવાલની ધરપકડ પર મૌન જાળવ્યું હતું. તે સમયે તે ભારતમાં પણ ન હતી અને લાંબા સમયથી ભારત પરત આવી ન હતી.
કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું કે, “જો કોઈ મહિલા સાંસદ સામે આવી ઘટના થાય તો AAPના અન્ય નેતાઓએ બોલવું જોઈએ. દેશના બાકીના બૌદ્ધિકો જે જાગતા હતા, તેમણે પણ આજે જાગવું જોઈએ અને કહેવું જોઈએ કે દિલ્હી પોલીસ આ બાબતની તપાસ કરો.”