Swati Maliwal Assault Case: શશિ થરૂરને શરમ આવવી જોઈએ! હરદીપ પુરીએ આવું કેમ કહ્યું

નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન નિવાસમાં આમ આદમી પાર્ટી(AAP)ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ(Swati Maliwal) સાથે કથિત રીતે થયેલી મારપીટના મામલે દિલ્હી ઉપરાંત દેશભરનું રાજકરણ ગરમાયું છે. એક તરફ આમ આદમી પાર્ટી આ મામલાને ભાજપનું કાવતરું ગણાવી રહી છે. બીજી તરફ ભાજપના નેતાઓ ચૂંટણી વચ્ચે AAPને આ મામલે ઘેરવામાં વ્યસ્ત છે. હવે આ મામલે કોંગ્રેસના સાંસદ શશિ થરૂર(Shashi Tharoor) અને કેન્દ્રીય પ્રધાન હરદીપ પુરી(Hardeep Singh Puri) વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે. હરદીપ પુરીએ શશિ થરૂને કહ્યું કે જેઓ કહે છે કે આ મહત્વનો મુદ્દો નથી તેમને શરમ આવવી જોઈએ.
Also Read – સ્વાતિ માલીવાલ કેસઃ પોલીસે જપ્ત કર્યા સીસીટીવી અને ડીવીઆર
અગાઉ શશિ થરૂરે કહ્યું હતું કે દેશમાં ચાલી રહેલા બેરોજગારી અને મોંઘવારી જેવા ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે આ બાબતને ચગાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું, ‘AAPએ આ મામલે નિવેદન બહાર પાડ્યું છે. મને તેના પર વિશ્વાસ છે. એ નિવેદનને બદલવાની કે બીજું કંઈ કહેવાની જરૂર નથી. મને ખરેખર લાગે છે કે દેશમાં ચાલી રહેલા બેરોજગારી અને મોંઘવારી જેવા મહત્વના મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે આ મુદ્દાને ઉછાળવામાં આવી રહ્યો છે. આપણે સામાન્ય માણસ માટે શું મહત્વનું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને આ નકામા મુદ્દાઓને મહત્વ ન આપવું જોઈએ. વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાથી કોઈનું હિત થતું નથી.’
કેન્દ્રીય પ્રધાન હરદીપ પુરીએ કોંગ્રેસના સાંસદ શશિ થરૂરને જવાબ આપતા કહ્યું કે, ‘શશિ થરૂરને પૂછો, તેમણે ઘણા વિભાગોમાં કામ કર્યું છે અને છતાં તેઓ આ બાબતનું મહત્વ ઓછું કરી રહ્યા છે. મહિલા સશક્તિકરણ અને મહિલા શક્તિ, આ બાબતો હવે મહત્વની નથી! જેઓ કહે છે કે આ મહત્વનો મુદ્દો નથી તેમને શરમ આવવી જોઈએ. આજે મુદ્દો એ છે કે તમે તમારી વસ્તીના 50 ટકા સાથે કેવું વર્તન કરો છો.’
હરદીપ પુરીએ વધુમાં કહ્યું કે, ‘કેજરીવાલે દારૂના કૌભાંડ કેસ સાથે જોડાયેલા 170 મોબાઈલ ફોન નષ્ટ કર્યા છે. EDના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેઓ અરવિંદ કેજરીવાલ અને હવાલા ઓપરેટર વચ્ચે સીધો સંબંધ ધરાવે છે.’