Swati Maliwal Case : ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ અરવિંદ કેજરીવાલના મૌન પર ઉઠાવ્યા વેધક સવાલ

નવી દિલ્હી : સ્વાતિ માલીવાલ (Swati Maliwal) પર હુમલાના કેસમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઘેર્યા છે. તેમણે કેજરીવાલના મૌન પર પણ સવાલો ઉઠાવ્યા છે અને આરોપ લગાવ્યો છે કે આમ આદમી પાર્ટીના લોકો ઘરે બોલાવીને રાજ્યસભાના સાંસદને માર મારી રહ્યા છે. જેપી નડ્ડાએ માલીવાલ કેસનું ષડયંત્ર રચવાના ભાજપના આરોપનો પણ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે જો ભાજપે ષડયંત્ર રચ્યું છે તો કેજરીવાલે લખનઉમાં માઈક કેમ હટાવી દીધું.
આમ આદમી પાર્ટી જૂઠાણાના પાયા પર બનેલી :જેપી નડ્ડા
લખનઉમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સાથેની પ્રેસ કોન્ફરન્સમાં અરવિંદ કેજરીવાલે માલીવાલ પર પૂછેલા સવાલ પર માઈક હટાવી દીધું હતું. જેપી નડ્ડાએ કહ્યું કે આમ આદમી પાર્ટી જૂઠાણાના પાયા પર બનેલી છે. કેજરીવાલ દિલ્હીની જનતાની સામે ખુલ્લા પડી ગયા છે. તેમણે સવાલ કર્યો હતો કે જ્યારે સ્વાતિ માલીવાલ પર મુખ્યમંત્રી આવાસ પર હુમલો કરવામાં આવ્યો હતો, તો પછી મુખ્યમંત્રી આ મામલે મૌન કેમ બેઠા છે. જે.પી. નડ્ડાએ સ્વાતિના કથિત વીડિયો અંગે પણ વાત કરી હતી.
કેજરીવાલનો પર્દાફાશ થયો છેઃ જેપી નડ્ડા
ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં જેપી નડ્ડાને પૂછવામાં આવ્યું કે આમ આદમી પાર્ટીનો આરોપ છે કે ભાજપે કેજરીવાલને ફસાવવા માટે સ્વાતિ માલીવાલને મોકલ્યા હતા. આના જવાબમાં તેમણે કહ્યું કે, “આમ આદમી પાર્ટી જૂઠાણાના પાયા પર બનેલી પાર્ટી છે અને તેની વિશ્વસનીયતા શૂન્ય નથી, માઈનસમાં છે.આજે અરવિંદ કેજરીવાલ દેશની જનતા અને દિલ્હીની જનતાની સામે ખુલ્લા પડી ગયા છે, દરેક રીતે તેનો પર્દાફાશ થયો છે. જો આ ષડયંત્ર ભાજપ દ્વારા રચવામાં આવ્યું હતું, તો પછી તમે કેમ કશું બોલતા નથી.
ભાજપ પ્રમુખે વધુમાં કહ્યું, “આમ આદમી પાર્ટીની સંસ્કૃતિ દર્શાવે છે કે તેઓ લોકોને તેમના ઘરે બોલાવે છે અને મારપીટ કરે છે. અમે ક્યારેય સ્વાતિ માલીવાલ સાથે વાત કરી નથી.