National Youth Dayની આજે કેમ ઉજવણી કરવામાં આવે છે, જાણો ઇતિહાસ?
નવી દિલ્હીઃ આજે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ છે. આજના દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે મનાવવામાં આવે છે. ભારતમાં 1984થી દર વર્ષે 12 જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે દેશભરમાં અનેક કાર્યક્રમ યોજાય છે. સ્વામી વિવેકાનંદ યુવા શક્તિને હંમેશા પ્રાથમિકતા આપતા હતા. યુવાનાને દેશ માટે કંઈક સારું અને માનવતાની સેવા કરવાની સતત પ્રેરણા આપતા હતા. તેમણે યુવાનોને આત્મવિશ્વાસથી ભરી દીધા હતા. જેથી તેમનો દિવસ યુવાનો માટે સમર્પિત કરવામાં આવ્યો છે.
12 જાન્યુઆરી, 1863ના રોજ પશ્ચિમ બંગાળના કોલકાતામાં સ્વામી વિવેકાનંદનો જન્મ થયો હતો. તેમનું અસલી નામ નરેન્દ્રનાથ દત્ત હતું. તેમણે અમેરિકાના શિકાગો ધર્મસભામાં આપેલા પ્રવચન બાદ આંતરારાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળી હતી. તેમનું આ ભાષણ સાંભળીને વિશ્વ દંગ રહી ગયું હતું. આ ભાષણની સમગ્ર વિશ્વમાં નોંધ લેવામાં આવી હતી.
સ્વામી વિવેકાનંદની જયંતીને ભારત સરકારે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે જાહેર કર્યો છે. તેની પાછળનો ઉદ્દેશ યુવાનોને માગદર્શન આપવું તથા તેમને પ્રેરણા આપવાનું છે. કોઈપણ રાષ્ટ્રના નિર્માણમાં સૌથી મોટો હાથ ત્યાંના યુવાનોમાં હોય છે. તેમણે યુવાનોને આત્મવિશ્વાસ અને ઊર્જાથી ભરી દીધા હતા. તેમજ રાષ્ટ્ર સેવા માટે પ્રેરિત કર્યા હતા. તમના વિચારોએ યુવાનોને માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ પ્રેરિત કર્યા હતા.
સ્વામી વિવેકાનંદના વિચારો અને આદર્શો યુવાનો સુધી પહોંચાડવા તથા તેને પ્રેરિત કરવાના ઉદ્દેશથી તેમના જન્મદિવસને રાષ્ટ્રીય યુવા દિવસ જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસે દેશભરમાં વિવિધ કાર્યક્રમ યોજાશે. જેમાં યુવાઓને સામેલ કરવામાં આવે છે. આ કાર્યક્રમન ઉદ્દેશ યુવાનોમાં રાષ્ટ્રીય એકતા, સામાજિક સમરસતા અને રાષ્ટ્ર સેવાની ભાવનાને જાગૃત કરવાનો છે. આ ઉપરાંત સ્કૂલો, કૉલેજ તથા અન્ય સંસ્થામાં પણ વિવિધ પ્રકારે રાષ્ટ્રીય યુવા દિવસ મનાવવામાં આવે છે.
વર્ષ 2025માં રાષ્ટ્રીય યુવા દિવસમો મુખ્ય વિષય રાષ્ટ્ર નિર્માણ માટે યુવા સશક્તિકરણ છે. આ થીમ યુવાનોને દેશના વિકાસમાં એક સક્રિય ભૂમિકા નીભાવવા માટે પ્રેરિત કરે છે. આ વર્ષની થીમ Youth for a Sustainable Future: Shaping the Nation with Resilience and Responsibility છે.
શિકાગોમાં સ્વામી વિવેકાનંદે શું કહીને ભાષણની શરૂઆત કરી હતી
શિકાગોમાં 11 સપ્ટેમ્બર, 1893માં આપવામાં આવેલું સ્વામી વિવેકાનંદનું આ ભાષણ આજે પણ લોકોને એટલું જ રોમાંચિત કરે છે. તેમણે ભાષણની શરૂઆત અમેરિકાના મારા ભાઈઓ અને બહેનો કહીને કરી હતી. તેમના મુખમાંથી આ શબ્દ નીકળતાં જ ધર્મ સંસદમાં તાળીઓને ગડગડાટ થયો હતો. પરંતુ અસલી કરિશ્મા બાકી હતો. ભારતના આ યુવા સંતે તેમની અમૃતમય વાણીમાં કહ્યું- હું તમામ ધર્મોની જનની અને વિશ્વની સૌથી જૂની સંત પરંપરા તરફથી તમામનો આભાર માનું છું. હું ભારતની તમામ જાતિ, ધર્મો અને કરોડો હિન્દુઓ તરફથી તમારો આભાર માનું છું. ઉપરાંત પૂર્વએ વિશ્વને સહિષ્ણુતા અને સાર્વભૌમિક સ્વીકૃતિનો અલૌકિક પાઠ ભણાવ્યો છે તેમ કહેનારાનો પણ આભાર વ્યક્ત કરું છું.
સ્વામી વિવેકાનંદે આગળ કહ્યું, મને ગર્વ છે કે હું એવા દેશમાંથી આવું છું જેણે તમામ ધર્મોને આશ્રય આપ્યો છે. હું એવા હિન્દુ ધર્મનો છું જેણે સમગ્ર વિશ્વને સહિષ્ણુતા અને સાર્વત્રિક સ્વીકૃતિનું જ્ઞાન આપ્યું છે. આપણે એવા દેશમાં રહીએ છીએ જે તમામ ધર્મોને સમાન આદર આપે છે. રોમન આક્રમણકારોએ ઇઝરાયેલના ધાર્મિક સ્થળોનો નાશ કર્યો છતાં તેની પવિત્ર યાદો આજે આપણા હૃદયમાં ટકી રહી છે. આ પછી દક્ષિણ ભારતે તેમને તેમના ખોળામાં આશ્રય આપ્યો. આ રીતે અમે બધા પ્રતાડિત થયેલા લોકોને આશ્રય આપીએ છીએ. અમારું હૃદય કરુણાથી ભરેલું છે. તેમણે વિશ્વને સૌથી મોટો સંદેશો આપ્યો હતો કે, જે રીતે નદીઓ અલગ-અલગ જગ્યાએથી નીકળે છે અને પોતાનો રસ્તો પસંદ કરે છે પરંતુ છેવટે સમુદ્રમાં મળે છે, તેવી જ રીતે, માણસ અલગ હોઈ શકે છે, પરંતુ અંતે, તે ભગવાનના અંશમાં ભળી જાય છે અને પંચતત્વમાં વિલીન થઈ જાય છે. આ રીતે સ્વામી વિવેકાનંદે પોતાના તેજસ્વી ભાષણથી સમગ્ર વિશ્વને પોતાની મુઠ્ઠીમાં કરી લીધું હતું.
Read This Also…Priyanka Gandhi રોબર્ટ વાડ્રાને પ્રથમ વખત મળ્યા ત્યારે કેટલા વર્ષના હતા? જાણો રોચક વાતો