નેશનલ

ભારત પાસે 131 વર્ષ બાદ સ્વામી વિવેકાનંદના ઈતિહાસનું પુનરાવર્તન કરવાનો મોકો, જાણો વિગત

નવી દિલ્હીઃ આજથી 131 વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદે (Swami Vivekanand) શિકાગોની ધર્મ સંસદમાં વિશ્વ સમક્ષ ભારતની આધ્યાત્મિક શક્તિનો પરિચય કરાવ્યો હતો. વિશ્વના મોટા ભાગના દેશો આનાથી અજાણ હતા. સ્વામી વિવેકાનંદને માત્ર 2 મિનિટ જ બોલવાનો મોકો મળ્યો હતો પરંતુ તેમણે તે સમયે ભારતને વૈશ્વિક મંચ પર વિશ્વગુરુ તરીકે સ્થાપિત કર્યું હતું. 131 વર્ષ બાદ ભારત પાસે આ ઇતિહાસનું પુનરાવર્તન કરવાનો અવસર છે.

સંયુક્ત રાષ્ટ્રએ વિશ્વ ધ્યાન દિવસ (world meditation day) પર ભારતના જાણીતા આધ્યાત્મિક સંત શ્રી શ્રી રવિશંકરને મુખ્ય વ્યાખ્યાન આપવા આમંત્રણ આપ્યું છે. શ્રી શ્રી રવિશંકર 21 ડિસેમ્બર, 2024ના દિવસે આ વૈશ્વિક મંચ પર વિશ્વને ભારતની આધ્યાત્મિક શક્તિથી માહિતગાર કરશે. સમગ્ર દુનિયા માટે વૈશ્વિક ધ્યાનના હિસાબે શ્રી શ્રી રવિશંકરનું આ ભાષણ ઐતિહાસિક રહેવાનું છે. તેમના ભાષણ પર સમગ્ર વિશ્વની નજર રહેશે.

શ્રી શ્રી રવિશંકરની જ કેમ થઈ પસંદગી

વિશ્વના સૌથી મોટા મંચ પર સંયુક્ત રાષ્ટ્રએ વિશ્વ ધ્યાન દિવસ પર વ્યાખ્યાન આપવા માટે શ્રી શ્રી રવિશંકરની પસંદગી થવા પાછળનું પણ એક કારણ છે. સંયુક્ત રાષ્ટ્રએ સ્વીકાર કર્યો છે કે વિશ્વ કલ્યાણનું નેતૃત્વ કરનારો ભારત વિશ્વનો એકમાત્ર દેશ છે. પીએમ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વ કલ્યાણનું નેતૃતવ કરી રહ્યું છે. ભારતની છબી વિશ્વ બંધુ તરીકે ઉભરી આવી છે. કોઈપણ દેશ પર સંકટ કે આફત આવે ભારત હંમેશા સહાય કરવામાં અગ્રેસર રહ્યું છે. તેથી ભારતના સંત શ્રી શ્રી રવિશંકરને સંયુક્ત રાષ્ટ્રએ વિશ્વ ધ્યાન દિવસના અવસર પર મુખ્ય ભાષણ આપવા પસંદગી કરી છે.

સંયુકત રાષ્ટ્રના મંચ પર શ્રી શ્રી રવિશંકરનું 21 ડિસેમ્બરનું ભાષણ ભારત માટે ઐતિહાસિક ક્ષણ હશે. આ પહેલા 11 સપ્ટેમ્બર 1893માં ભારતના મહાન સંત સ્વામી વિવેકાનંદે શિકાગોની ધર્મ સંસદમાં ઐતિહાસિક ભાષણ આપ્યું હતું, જેને સાંભળીને ત્યાં ઉપસ્થિત તમામ દંગ રહી ગયા હતા. હવે ફરથી સંયુક્ત રાષ્ટ્રના મંચ પરથી વિશ્વ શ્રી શ્રી રવિશંકરને સાંભળવા આતુર છે. યુએનના અધિકારીઓએ કહ્યું, ભારતે 21 ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસના રૂપમાં જાહેર કરવાની પહેલનું નેતૃત્વ કરી વૈશ્વિક કલ્યાણમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. વિશ્વ ધ્યાન દિવસની શરૂઆત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ પર થઈ છે.

સ્વામી વિવેકાનંદે શું કહીને ભાષણની શરૂઆત કરી હતી

શિકાગોમાં 11 સપ્ટેમ્બર, 1893માં આપવામાં આવેલું સ્વામી વિવેકાનંદનું આ ભાષણ આજે પણ લોકોને એટલું જ રોમાંચિત કરે છે. તેમણે ભાષણની શરૂઆત અમેરિકાના મારા ભાઈઓ અને બહેનો કહીને કરી હતી. તેમના મુખમાંથી આ શબ્દ નીકળતાં જ ધર્મ સંસદમાં તાળીઓને ગડગડાટ થયો હતો. પરંતુ અસલી કરિશ્મા બાકી હતો. ભારતના આ યુવા સંતે તેમની અમૃતમય વાણીમાં કહ્યું- હું તમામ ધર્મોની જનની અને વિશ્વની સૌથી જૂની સંત પરંપરા તરફથી તમામનો આભાર માનું છું. હું ભારતની તમામ જાતિ, ધર્મો અને કરોડો હિન્દુઓ તરફથી તમારો આભાર માનું છું. ઉપરાંત પૂર્વએ વિશ્વને સહિષ્ણુતા અને સાર્વભૌમિક સ્વીકૃતિનો અલૌકિક પાઠ ભણાવ્યો છે તેમ કહેનારાનો પણ આભાર વ્યક્ત કરું છું.

સ્વામી વિવેકાનંદે આગળ કહ્યું, મને ગર્વ છે કે હું એવા દેશમાંથી આવું છું જેણે તમામ ધર્મોને આશ્રય આપ્યો છે. હું એવા હિન્દુ ધર્મનો છું જેણે સમગ્ર વિશ્વને સહિષ્ણુતા અને સાર્વત્રિક સ્વીકૃતિનું જ્ઞાન આપ્યું છે. આપણે એવા દેશમાં રહીએ છીએ જે તમામ ધર્મોને સમાન આદર આપે છે. રોમન આક્રમણકારોએ ઇઝરાયેલના ધાર્મિક સ્થળોનો નાશ કર્યો છતાં તેની પવિત્ર યાદો આજે આપણા હૃદયમાં ટકી રહી છે. આ પછી દક્ષિણ ભારતે તેમને તેમના ખોળામાં આશ્રય આપ્યો. આ રીતે અમે બધા પ્રતાડિત થયેલા લોકોને આશ્રય આપીએ છીએ. અમારું હૃદય કરુણાથી ભરેલું છે. તેમણે વિશ્વને સૌથી મોટો સંદેશો આપ્યો હતો કે, જે રીતે નદીઓ અલગ-અલગ જગ્યાએથી નીકળે છે અને પોતાનો રસ્તો પસંદ કરે છે પરંતુ છેવટે સમુદ્રમાં મળે છે, તેવી જ રીતે, માણસ અલગ હોઈ શકે છે, પરંતુ અંતે, તે ભગવાનના અંશમાં ભળી જાય છે અને પંચતત્વમાં વિલીન થઈ જાય છે. આ રીતે સ્વામી વિવેકાનંદે પોતાના તેજસ્વી ભાષણથી સમગ્ર વિશ્વને પોતાની મુઠ્ઠીમાં કરી લીધું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button