
નવી દિલ્હી: સંસદમાંથી મોટી સંખ્યમાં વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવાને બાબતે ભારે હોબાળો થઈ રહ્યો છે. બંને ગૃહો મળીને કુલ 141 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં લોકસભાના 95 અને રાજ્યસભાના 46 સાંસદોનો સમાવેશ થાય છે. સસ્પેન્ડ થયેલા સાંસદો માટે લોકસભા સચિવાલય દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં સસ્પેન્ડ કરાયેલા સાંસદોને સંસદની ચેમ્બર, લોબી અને ગેલેરીમાં પ્રવેશવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
લોકસભા સચિવાલયનાના પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, સસ્પેન્શન પછી, સસ્પેન્શનના સમયગાળા દરમિયાન નીચેના પરિણામોનો સામનો કરવો પડશે. સસ્પેન્ડેડ સાંસદો સંસદની ચેમ્બર, લોબી અને ગેલેરીમાં પ્રવેશી શકશે નહીં. જો સસ્પેન્ડ કરાયેલા સાંસદો કોઈપણ સંસદીય સમિતિનો હિસ્સો હશે, તો તેમને તે સમિતિમાંથી પણ સસ્પેન્ડ ગણવામાં આવશે. તેમના નામે સંસદમાં કોઈપણ પ્રકારનું કામ કરવામાં આવશે નહીં. તેમના દ્વારા આપવામાં આવેલી કોઈપણ સૂચના સ્વીકારવામાં આવશે નહીં.
પરિપત્રમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, તેમને સસ્પેન્શનના સમયગાળા દરમિયાન યોજાયેલી સમિતિઓની ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર નથી. જો તેમને બાકીના સત્ર માટે પણ ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવે તો તેમને દૈનિક ભથ્થું આપી શકાય નહીં.
સંસદની સુરક્ષામાં ક્ષતિના મુદ્દે વિપક્ષી સાંસદો માંગ કરી રહ્યા છે કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગૃહમાં આવીને નિવેદન આપવું જોઈએ. આ અંગે સંસદમાં ભારે હોબાળો થયો હતો, ત્યારબાદ વિપક્ષના 141 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે વિપક્ષી સાંસદોના સસ્પેન્શનને બાબતે 22 ડિસેમ્બરે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.