સૂર્યકુમાર એશિયા કપમાં નહીં રમી શકે તો ત્રણ પ્લેયર કૅપ્ટન્સી માટે દાવેદાર

નવી દિલ્હીઃ ભારતની ટી-20 ટીમના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે (SURYAKUMAR YADAV) તાજેતરમાં સ્પોર્ટ્સ હર્નિયાની સર્જરી કરાવી છે અને હાલમાં ઑપરેશન પછીની સારવાર લેવાની સાથે જિમ્નેશ્યમમાં હળવું વર્ક-આઉટ કરવા ઉપરાંત ધીરે-ધીરે બૅટિંગ પ્રૅક્ટિસ પણ તેણે શરૂ કરી છે, પરંતુ આગામી નવમી સપ્ટેમ્બરે યુએઇમાં શરૂ થનારા ટી-20ના એશિયા કપમાં રમવા પૂરતો તે ફિટ નહીં થઈ શકે તો તેના સ્થાને સુકાન સંભાળી શકે એવા ત્રણ નામ ચર્ચાઈ રહ્યા છે.
સૂર્યકુમારે જૂન મહિનામાં જર્મનીમાં સર્જરી કરાવી હતી. તે એશિયા કપના આરંભ સુધીમાં 100 ટકા ફિટ નહીં થાય એવું મનાય છે. એશિયા કપમાં 14મી સપ્ટેમ્બરે ભારતનો પાકિસ્તાન સામે મુકાબલો થશે. ત્યાર બાદ 21મી સપ્ટેમ્બરે અને 28મી સપ્ટેમ્બરે પણ આ બન્ને કટ્ટર દેશ વચ્ચે હાઈ-વૉલ્ટેજ મૅચ રમાશે એવી સંભાવના છે.
આપણ વાંચો: સૂર્યકુમાર યાદવે કોલકાતા પહોંચીને કઈ મનપસંદ ચીજ ખાધી?
તાજેતરમાં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝમાં સફળતાપૂર્વક કૅપ્ટન્સી સંભાળનાર શુભમન ગિલ (Gill) વાઇસ-કૅપ્ટન્સી માટે ફેવરિટ મનાય છે એ જોતાં સૂર્યકુમારની ગેરહાજરીમાં તેને ટી-20 ટીમનું સુકાન સંભાળવાનું કહેવામાં આવશે એવી ભારતીય ક્રિકેટમાં ચર્ચા છે.
ગયા વર્ષે જૂનમાં ગિલ છેલ્લે (શ્રીલંકા સામે) જે ટી-20 સિરીઝ રમ્યો હતો એમાં તે સૂર્યકુમારનો ડેપ્યૂટી (વાઇસ-કૅપ્ટન) હતો. ત્યાર પછી ગિલને ટેસ્ટ અને વન-ડે ફૉર્મેટ પર એકાગ્રતા રાખવાનું કહેવામાં આવ્યું હતું.
આપણ વાંચો: IND vs ENG T20: કાલે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ થશે, સૂર્યકુમાર યાદવે ભરી હુંકાર
ભારતીય ક્રિકેટરો છેલ્લે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ઇંગ્લૅન્ડ સામે ટી-20 શ્રેણી રમ્યા ત્યારે લેફ્ટ-હૅન્ડ ઑલરાઉન્ડર અક્ષર પટેલ (AXAR PATEL) ટીમનો વાઇસ-કૅપ્ટન હતો. વાઇટ-બૉલ ક્રિકેટની ટીમમાં અક્ષર મહત્ત્વનો ખેલાડી પણ છે અને ત્યાર બાદ આઇપીએલમાં તેણે દિલ્હી કૅપિટલ્સ ટીમનું સુકાન સંભાળીને પણ સારો અનુભવ મેળવ્યો હતો.
હાર્દિક પંડ્યા (Hardik Pandya) પણ એક દાવેદાર છે. એક સમય હતો જ્યારે રોહિત શર્માની ગેરહાજરીમાં હાર્દિકને જ ટી-20 ટીમનું સુકાન સોંપાતું હતું અને 2024ના ટી-20 વર્લ્ડ કપમાં હાર્દિક વાઇસ-કૅપ્ટન હતો.
હાર્દિકે જ સાઉથ આફ્રિકા સામેની ફાઇનલની છેલ્લી ઓવરમાં ભારતને વિજય અપાવ્યો હતો અને ભારત બીજી વાર ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન બન્યું હતું. હાર્દિકને 16 ટી-20 મૅચમાં સુકાન સંભાળવાનો અનુભવ છે એટલે તે મજબૂત દાવેદાર મનાય છે.