આશ્ચર્યમ! બંગાળમાં ઓબીસીમાં શામેલ કરાયેલ 77 જાતિ પૈકી 75 મુસ્લિમ
નવી દિલ્હી: 77 જાતિઓને ઓબીસીમાં શામેલ કરવાના નિર્ણયને લઈને પશ્ચિમ બંગાળ સરકારે સુપ્રીમ કોર્ટ સામે પોતાનો જ કક્કો સાચો હોવાની વિગતો સાથે સોગંધનામું રજૂ કર્યું હતું. સરકાર દ્વારા તેનો નિર્ણય સાચો હોવાનું રટણ કરવામાં આવ્યું હતું. સરકારે કહ્યું હતુ કે આ ચુકાદો ત્રિસ્તરીય પ્રક્રિયા બાદ લેવામાં આવ્યો છે જેમાં બે સર્વે અને પછાત વર્ગ આયોગ દ્વારા કરવામાં આવેલી સુનાવણીનો પણ સમાવેશ થાય છે. જો કે એક વાતનો સરકારે પણ સ્વીકાર કર્યો હતો કે અમુક મુસ્લિમ જાતિઓ માટે આ પ્રક્રિયા 24 કલાક કરતાં પણ ઓછા સમયમાં પૂર્ણ કરી દેવામાં આવી હતી.
અરજીના દિવસે જ પંચે કરી ભલામણ:
13 નવેમ્બર, 2009ના રોજ આવેદન કર્યા બાદ તે જ દિવસે પશ્ચિમ બંગાળ પછાત વર્ગ આયોગે ખોટ્ટા મુસ્લિમ જાતિને OBC યાદીમાં શામેલ કરવાની ભલામણ કરી હતી. તેવી જ રીતે મુસ્લિમ જમાદાર જાતિને અરજીના દિવસે એટલે કે 21 એપ્રિલ, 2010ના રોજ યાદીમાં શામેલ કરવાની ભલામણ કરવામાં આવી હતી. સરકારી તંત્રની પ્રવૃત્તિઓ અને કાર્યોની જટિલતાને જોતાં આટલું ઝડપી કામ એક સિદ્ધિ ગણી શકાય.
OBC કમિશને પણ આશ્ચર્યજનક ઝડપી કામ કરીને માત્ર એક જ દિવસમાં ગાયન (મુસ્લિમ) અને ચાર દિવસમાં ભાટિયા મુસ્લિમ જાતિને તેમજ અન્ય એક ડઝનથી વધુ મુસ્લિમોને એક મહિનાની અંદર પછાત વર્ગની યાદીમાં શામેલ કરવાની ભલામણ કરી હતી.
સરકારે રજૂ કર્યું ચોંકાવનારું સોગંધનામુ:
પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવેલું સોગંધનામું ચોંકાવનારું છે કે જેમાં ઓબીસીમાં ઉમેરવામાં આવેલી 77 જાતિઓમાંથી 75 મુસ્લિમો છે. આ 77 જાતિઓને ઓબીસી યાદીમાં મનસ્વી રીતે સમાવેશ કરાયા હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. કેટલાક કિસ્સાઓમાં સમુદાયના સભ્યોએ પંચ સમક્ષ OBC યાદીમાં સમાવેશ કરવા માટે અરજીઓ દાખલ કરી તે પહેલાં જ જાતિઓના પેટા-વર્ગીકરણ માટે સર્વેક્ષણો હાથ ધરવામાં આવ્યા હતા.
અન્ય પછાત વર્ગની યાદીમાં સમાવવા માટે અરજી કરતા પહેલા આ સમુદાયોને પેટા વર્ગીકરણ કરવા માટેના સર્વેક્ષણો ક્યારેક હાથ ધરવામાં આવ્યા હતા. જુન 2015 માં કાઝી, કોટલ, હજારી, લાયક અને ખાસ જેવા કેટલાક મુસ્લિમ સમુદાયો માટે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, પરંતુ અરજીઓ તેના ઘણા સમય પછીથી કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે માંગી જાણકારી:
5 ઓગસ્ટના રોજ CJI DY ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે OBC યાદીમાં સમાવેશ કરવાની પ્રક્રિયા વિશે રાજ્ય પાસેથી માહિતી માંગી હતી. કમિશને મૌખિક અથવા દસ્તાવેજી રીતે ઉપલબ્ધ સામગ્રીને ધ્યાનમાં લીધા પછી 34 સમુદાયોમાંથી દરેક પર અંતિમ અહેવાલો તૈયાર કર્યા.