મહાદેવ એપના માલિક રવિ ઉપ્પલની દુબઈમાં અટક
નવી દિલ્હી: ઇડીના આદેશ પર ઈન્ટરપોલ દ્વારા જારી કરાયેલી રેડ નોટિસના આધારે મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીની એપના બે મુખ્ય માલિકોમાંથી એક રવિ ઉપ્પલની દુબઈમાં પોલીસે અટક કરી હતી.
સત્તાવાર સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે ઉપ્પલને તે દેશમાં ગયા અઠવાડિયે અટકાયતમાં લેવામાં આવ્યો હતો અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) તેને ભારત લાવવા માટે દુબઈના સત્તાવાળાઓના સંપર્કમાં છે.
છત્તીસગઢ પોલીસ અને મુંબઈ પોલીસ સિવાય કથિત ગેરકાયદે સટ્ટાબાજી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ઇડી દ્વારા ઉપ્પલની તપાસ કરવામાં આવી રહી છે. ઑક્ટોબરમાં છત્તીસગઢના રાયપુરમાં મની લોન્ડરિંગ અધિનિયમની વિશેષ અદાલત સમક્ષ ઇડીએ ઉપ્પલ અને ઈન્ટરનેટ આધારિત પ્લેટફોર્મના અન્ય પ્રમોટર સૌરભ ચંદ્રાકર સામે મની લોન્ડરિંગની ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યારબાદ ઇડીની વિનંતીના આધારે ઇન્ટરપોલ દ્વારા રેડ નોટિસ જારી કરવામાં આવી હતી. ઇડી મુજબ આ કેસમાં અપરાધની અંદાજિત રકમ ₹ ૬,૦૦૦ કરોડ છે.