સુરત આઇ.ટી. સર્ચ
200 કરોડના રોકડ વ્યવહારો મળ્યા: પચીસ લોકર સીઝ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ડાયમંડનગરી સુરતમાં હીરા પેઢી અને જ્વેલર્સ પરના આવકવેરા વિભાગના દરોડા બાદ સતત બીજા દિવસે ચાલી રહેલા સર્ચ દરમિયાન રૂ.200 કરોડના રોકડા વ્યવહાર અને બે કરોડની રોકડ મળી છે તેમજ આ પેઢીઓનાં 25 બેન્ક લોકર સીલ કરવામાં આવ્યાં છે. બેનામી વ્યવહારોનો આંકડો 500 કરોડને વટાવે તેવી પૂરી શક્યતા છે.
આઈટી વિભાગની ડીડીઆઇ વિંગ દ્વારા ત્રણ જ્વેલર્સ અને એક બુલિયન વેપારીના 35થી વધુ સ્થળો પર સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. તેમના ધંધાકીય-રહેણાંક સ્થળો પરથી કુલ 2 કરોડની રોકડ, 25 લોકર્સ, એફડી વોલ્ટ સીઝ કર્યા છે. આઇટી વિભાગે 25થી વધુ મોબાઇલ કબજામાં લીધા છે. મોબાઈલમાંથી લાખો રૂપિયાના અનેક ડેટા ડિલિટ કરી દેવાયા હતા. પરંતુ એકસપર્ટ ટીમે ડિલિટ થયેલા ડેટા પણ ફરી રિકવર કરી લીધા છે. મોટાભાગના રોકડના સોદા મોબાઇલ પર જ આવતા હતા અને સોનાની કરોડોની ખરીદીના પણ વ્યવહાર મોબાઇલમાં જ થતાં હોવાનો પર્દાફાશ થયો છે.
આઈટી સર્ચ ઓપરેશનમાં તમામ જ્વેલર્સ જૂથના શૉ રૂમ, કર્મચારી સ્ટાફ, એકાઉન્ટન્ટ, સેલ્સ અને પરચેઝ મેનેજર, ભાગીદારો, બુલિયન સપ્લાયર્સના ધંધાકીય રહેણાંક સ્થળોને સર્ચમાં આવરી લઈને તેમના મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે