સુપ્રીમ કોર્ટ ટીવી પર દર્શાવાતી ન્યુઝ ચેનલો પર નજર રાખતા તંત્રની કામગીરી વધુ કડક બનાવવા ઇચ્છે છે. આજે સુપ્રીમ કોર્ટે NBDA એટલે કે ન્યુઝ બ્રોડકાસ્ટર્સ એન્ડ ડિજીટલ એસોસિએશનને નવી ગાઇડલાઇન્સ લાવવા માટે વધુ 4 અઠવાડિયાનો સમય આપ્યો છે. આથી એક મહિના બાદ હવે આ કેસની સુનાવણી યોજાશે.
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ જે. બી. પારડીવાલા તેમજ ન્યાયમૂર્તિ મનોજ મિશ્રાની ખંડપીઠે આ કેસમાં દલીલો સાંભળી હતી. NBDA તરફથી વકીલ અરવિંદ દાતારે જણાવ્યું હતું કે દિશાનિર્દેશ ઘડવા માટે તેમને 4 અઠવાડિયાનો સમય જોઇએ છે. કેન્દ્ર સરકાર તરફથી સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં કહ્યું હતું કે આ મામલે કેન્દ્ર સરકારે પહેલા જ એક સ્વ કેન્દ્રીત તંત્ર ઉભું કરેલું છે. અત્યાર સુધી ન્યુઝ બ્રોડકાસ્ટર્સ ફેડરેશને જ સંસ્થાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. NBDAએ રજીસ્ટ્રેશન કરાવ્યું નથી.
ન્યુઝ બ્રોડકાસ્ટર ફેડરેશન ઓફ ઇન્ડિયા NBFI તરફથી વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાનીએ રજૂઆત કરી હતી કે NBFIને તેના પોતાના નિયમો દાખલ કરવાની પણ અનુમતિ મળવી જોઇએ, વર્ષ 2021માં સરકારે નિયમોમાં સંશોધન કર્યું હતું. જેના પર સીજેઆઇએ જવાબ આપ્યો હતો કે અમે તો પહેલા જ કહ્યું હતું કે ન્યુઝ ચેનલો પર નજર રાખે તેવું સ્વ નિયમનનું તંત્ર હોય તે જરૂરી છે. જે કોઇ સ્વ નિયામક તંત્ર પહેલેથી કાર્યરત હોય તેની કામગીરી વધુ કડક બને. સૂચનો અને દિશાનિર્દેશોમાં વધારો સ્વીકાર્ય છે. સ્વ નિયમનના પ્રથમ સ્તરને મજબૂત બનાવવું પડશે.
સુપ્રીમ કોર્ટ NBDAની અપીલ પર સુનાવણી કરી રહી છે, બોમ્બે હાઈકોર્ટે કેસના નિર્ણયમાં કહ્યું હતું કે NBDAની કાયદાકીય બાબતોમાં કોઈ શુદ્ધતા અને પારદર્શિતા નથી. આ નિર્ણયને NBDAએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ચેનલોના સ્વ-નિયમનકારી તંત્રને અસરકારક બનાવવું જરૂરી છે. જ્યારે તમે લોકોની પ્રતિષ્ઠા જોખમાય તેવું કામ કરો છો તો તેનું અપરાધ તરીકે અનુમાન લગાવી શકાય છે. કેટલાક લોકો એવા હોય છે જેઓ સંયમનું પાલન કરતા નથી. અમે સ્વ-નિયમનકારી તંત્રને મજબૂત કરવા માંગીએ છીએ. ચેનલો પર રૂ. 1 લાખના દંડથી કંઇ અસર થવાની નથી. છેલ્લા 15 વર્ષથી દંડની રકમ વધારવા અંગે કોઇ વિચાર કરતું નથી. આ દંડ શોમાંથી મળતા નફામાંથી લેવાવો જોઇએ. સુપ્રીમ કોર્ટે સ્વ-નિયમનકારી પ્રણાલીને મજબૂત કરવા NBDA પાસેથી સલાહ માંગી છે.
સુપ્રીમે બ્રોડકાસ્ટર્સ એસોસિએશનને કહ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂતના સમાચારો બતાવતી વખતે કેટલાક લોકોએ હદ પાર કરી હતી. 2008માં નક્કી થયું હતું કે ટીવી ન્યુઝ ચેનલો પર વધુમાં વધુ 1 લાખ રૂપિયાનો દંડ ફટકારી શકાય. સૌકોઇએ બેજવાબદારી પૂર્ણ વર્તન કર્યું. ન્યાયતંત્ર પહેલા ચેનલોએ તપાસ શરૂ કરી દીધી. 1 લાખનો દંડ કેટલો અસરકારક છે, છેલ્લા 15 વર્ષથી NBDA એ દંડ વધારવા પર વિચાર કર્યો? સ્વ નિયમન તંત્ર હોવું એ વખાણવાલાયક છે પરંતુ તે પ્રભાવી પણ હોવું જોઇએ.
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી…
Do this miraculous remedy on the night of Ganesh Chaturthi, father will fill the treasury with money...