SC/ST અનામત અંગે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, અતિ પછાત જાતિઓને મળશે લાભ
![Supreme Court's verdict on SC/ST reservation will benefit the most backward castes](/wp-content/uploads/2024/08/SC-780x470.webp)
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે અનામત મુદ્દે મોટો ચુકાદો (Supreme court on reservation) સંભળાવ્યો છે. કોર્ટના ચુકાદા અનુસાર અનુસાર, અનુસૂચિત જાતિ અને જનજાતિમાં સબ કેટેગરી (Sub category on SC/ST) બનાવી શકાય છે. સુપ્રીમ કોર્ટની સાત સભ્યોની બંધારણીય બેન્ચે 6-1ના મતથી આ નિર્ણય આપ્યો હતો. આ ચુકાદાની સુનાવણી CJI ડી વાય ચંદ્રચુદે કરી હતી, અન્ય પાંચ જજો તેમની સાથે સહમત હતા જ્યારે જસ્ટિસ બેલા ત્રિવેદી તેની સાથે સહમત ન હતા. આ નિર્ણયથી સુપ્રીમ કોર્ટે 2004માં 5 જજોએ આપેલા નિર્ણયને પલટી નાખ્યો છે.
પંજાબમાં વાલ્મિકી અને ધાર્મિક શીખ જાતિઓને અનુસૂચિત જાતિ અનામતનો અડધો હિસ્સો આપવાનો કાયદો 2010 માં હાઇકોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ગુરુવારે આ અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અનામતને લઈને મોટો નિર્ણય લીધો હતો. SC/ST શ્રેણીમાં ઘણી બધી જાતિઓ છે જે અતિ પછાત છે. આ જાતિઓના સશક્તિકરણની સખત જરૂર છે.
સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે જે જાતિને અનામતમાં અલગથી હિસ્સો આપવામાં આવી રહ્યો છે તેના પછાત હોવાના પુરાવા હોવા જોઈએ. આનું કારણ શિક્ષણ અને રોજગારમાં તેનું ઓછું પ્રતિનિધિત્વ હોઈ શકે છે. આને માત્ર એક ચોક્કસ જ્ઞાતિની વધુ સંખ્યામાં હાજરી પર આધાર રાખવો ખોટું હશે.
કોર્ટે કહ્યું કે અનુસૂચિત જાતિ શ્રેણીમાં બધા સમાન નથી. કેટલીક જાતિઓ વધુ પછાત છે. તેમને તક આપવી યોગ્ય છે. અમે ઈન્દિરા સાહનીના નિર્ણયમાં ઓબીસીના પેટા વર્ગીકરણને મંજૂરી આપી હતી. આ સિસ્ટમ અનુસૂચિત જાતિ માટે પણ લાગુ થઈ શકે છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેટલીક અનુસૂચિત જાતિઓ સદીઓથી અન્ય અનુસૂચિત જાતિઓ કરતાં વધુ ભેદભાવ સહન કરી રહી છે. જો કે, અમે ફરીથી સ્પષ્ટતા કરીએ છીએ કે જો કોઈપણ રાજ્ય આરક્ષણનું વર્ગીકરણ કરવા માંગે છે, તો તેણે પહેલા ડેટા એકત્રિત કરવો પડશે.
કોર્ટે કહ્યું કે એવું જોવામાં આવ્યું છે કે ટ્રેનના ડબ્બાની બહાર ઊભેલા લોકો અંદર જવા માટે સંઘર્ષ કરે છે. પણ જેઓ અંદર જાય છે, તેઓ બીજાને અંદર આવતા રોકવા માગે છે. જેમને સરકારી નોકરી મળી છે અને જેઓ હજુ ગામમાં મજૂરી કરી રહ્યા છે તેમની સ્થિતિ અલગ છે.
આ સુનાવણીમાં ચીફ જસ્ટિસની સાથે જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી, જસ્ટિસ પંકજ મિથલ, જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા સામેલ હતા.
સુપ્રીમ કોર્ટના આ નિર્ણયે 2004માં ઇવી ચિન્નૈયા કેસમાં પાંચ જજોના નિર્ણયને પલટી દીધો હતો, જેમાં બંધારણીય બેંચે કહ્યું હતું કે બંધારણના અનુચ્છેદ 341 મુજબ કયા સમુદાયોને અનામતનો લાભ મળશે તે ફક્ત રાષ્ટ્રપતિ જ સૂચિત કરી શકે છે , અને રાજ્યોને તેની સાથે છેડછાડ કરવાનો અધિકાર નથી.