અદાણી સામેની તપાસ ખાસ ટીમને સોંપવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર
નવી દિલ્હી: અદાણી ગ્રૂપ દ્વારા કરાયા હોવાનું કહેવાતા શૅરના ભાવમાંના મેનિપ્યુલેશન (ગેરરીતિ)ની તપાસ ખાસ ટીમ (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ને ટ્રાન્સફર કરવાનો સર્વોચ્ચ અદાલતે બુધવારે ઇનકાર કર્યો હતો અને શૅરબજારના નિયામક સિક્યોરિટીઝ ઍન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી)ને નિકાલ વિના પડેલા બે કેસની તપાસ ત્રણ મહિનામાં પૂરી કરવાનો આદેશ આપ્યો હતો.
દરમિયાન, સર્વોચ્ચ અદાલતના આ ચુકાદાના સંદર્ભમાં ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે સત્યનો વિજય થયો છે.
મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડના નેતૃત્વ હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે આ અદાલતને ‘સેબી’ દ્વારા નક્કી કરાયેલી નીતિ અને નિયમમાં દખલગીરી કરવાનું હાલમાં અયોગ્ય લાગે છે અને આ પ્રકરણમાં તપાસ ‘સેબી’ પાસેથી લઇને બીજાને સોંપવાનું બિનજરૂરી જણાય છે.
સર્વોચ્ચ અદાલતે એ વાતની નોંધ લીધી હતી કે અદાણી ગ્રૂપ સામે મુકાયેલા ૨૪ આરોપમાંના ૨૨ની તપાસ તો ‘સેબી’ દ્વારા પૂરી કરાઇ છે.
ન્યાયાધીશ જે. બી. પારડીવાલા અને ન્યાયાધીશ મનોજ મિશ્રાનો પણ સમાવેશ કરતી આ બેન્ચે જણાવ્યું હતું કે સોલિસિટર જનરલે ‘સેબી’ વતી આપેલી બાંયધરીને લીધે અમે શૅરબજારની નિયામકને બે પેન્ડિંગ કેસની તપાસ ત્રણ મહિનામાં પૂરી કરવાનો આદેશ આપીએ છીએ.
અરજદારોમાંના એકે આક્ષેપ કર્યો હતો કે ‘સેબી’ દ્વારા આ કિસ્સામાં ધીમી ગતિએ તપાસ થઇ રહી છે.
હિન્ડનબર્ગે થોડા સમય પહેલા એવો આક્ષેપ કર્યો હતો કે અદાણી ગ્રૂપ દ્વારા શૅરના ભાવનું મેનિપ્યુલેશન કરાયું હતું. તેના સંદર્ભમાં કરાયેલી અરજીઓ માટે સર્વોચ્ચ અદાલતે આ ચુકાદો આપ્યો હતો. (એજન્સી)