
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે રખડતા શ્વાન મુદ્દે સુનાવણી કરતાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મોટો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે, તમામ રખડતા પશુ, કૂતરા રાજ્યના હાઇવે, નેશનલ હાઇવે અને રોડ રસ્તા પરથી હટાવવા જોઈએ. સુપ્રીમ કોર્ટે આ અંગે રાજ્યોની સાથે સાથે નેશનલ હાઇવે ઓથોરિટી અને નગરપાલિકાઓને પણ નિર્દેશ આપ્યા હતા.
આ ઉપરાંત રખડતા પશુઓને હટાવવા માટે એક ટીમ બનાવવામાં આવે અને તેમને પકડીને શેલ્ટર હોમમાં રાખવામાં આવે તેવો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે રખડતા કૂતરા મુદ્દે પણ આદેશ આપ્યો હતો. કોર્ટે તમામ શૈક્ષણિક સંસ્થાઓ, હૉસ્પિટલો, બસ અને રેલવે સ્ટેશન પરથી કૂતરાને હટાવીને શેલ્ટર હોમમાં રાખવામાં આવે તેવો આદેશ આપ્યો હતો.
આ કેસની સુનાવણી ન્યાયાધીશ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન.વી. અંજારિયાની બનેલી બેન્ચ દ્વારા કરવામાં આવી હતી. તમામ રાજ્યોના મુખ્ય સચિવો આ નિર્દેશોનું કડક પાલન થાય તે સુનિશ્ચિત કરવા પણ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો. ઉપરાંત અઠવાડિયાંમાં સ્ટેટસ રિપોર્ટ અને સોગંદનામું દાખલ કરવામાં આવે. આ કેસની આગામી સુનાવણી હવે 13 જાન્યુઆરીએ થશે.
આ ઉપરાંત કોર્ટે કહ્યું, બે અઠવાડિયાંમાં રાજ્ય સરકારો અને રાજ્યના અધિકારક્ષેત્રો એવી સરકારી અને ખાનગી શાળાઓ, કોલેજો અને હોસ્પિટલોની ઓળખ કરશે, જ્યાં રખડતાં પ્રાણીઓ અને શ્વાનોનો ત્રાસ હોય છે. એમના પ્રવેશને રોકવા માટે કેમ્પસમાં વાડ બનાવવામાં આવશે. જાળવણી માટે એક નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનો, નગરપાલિકાઓ અને પંચાયતોએ દર ત્રણ મહિને ઓછામાં ઓછા એક વખત આ કેમ્પસનું નિરીક્ષણ કરવું પડશે. પકડાયેલા રખડતા કૂતરાને જે જગ્યાથી લાવવામાં આવ્યા હતા તે જગ્યાએ પરત છોડવામાં આવશે નહીં.



