નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા ફરી ઇલેક્ટ્રોનિક વોટીંગ મશીન(EVM)ની વિશ્વસનીયતા પર સવાલો ઉભા કરવામાં આવ્યા છે. દરમિયાન EVM દ્વારા પડેલા મતો સાથે વોટ વેરિફાએબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) સ્લિપને મેચ કરવાના નિર્દેશોની માંગ કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ (EC)ને ચાર મહત્વના પ્રશ્નો પૂછ્યા છે.
જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે આજે સવારે ચૂંટણી પંચ (ECI)ના એક વરિષ્ઠ અધિકારીને કેટલાક પ્રશ્નોના જવાબ આપવા માટે બપોરે 2 વાગ્યે કોર્ટમાં હાજર થવા જણાવ્યું હતું.
કોર્ટે ચૂંટણી પંચને પૂછ્યું કે માઇક્રોકન્ટ્રોલર કન્ટ્રોલિંગ યુનિટમાં ઇન્સ્ટોલ કરેલું છે કે VVPAT માં? શું માઇક્રોકન્ટ્રોલર વન ટાઇમ પ્રોગ્રામેબલ છે? ચૂંટણી ચિહ્નો માટે આયોગ પાસે કેટલા યુનિટ્સ ઉપલબ્ધ છે? તમે કહ્યું કે ચૂંટણી પિટિશન ફાઇલ કરવાની મર્યાદા અવધિ 30 દિવસ છે અને આ રીતે સ્ટોરેજ અને રેકોર્ડ 45 દિવસ સુધી જાળવવામાં આવે છે. પરંતુ લિમિટેશન ડે 45 જ છે, તમારે તેને ઠીક કરવું પડશે.
કોર્ટે થોડા દિવસો પહેલા આ મામલે સુનાવણી કરી હતી પરંતુ તે દરમિયાન કોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો. તે દરમિયાન, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે દરેક બાબત પર શંકા કરી શકાય નહીં અને અરજદારોએ EVMના દરેક પાસાઓ વિશે ટીકા કરવાની જરૂર નથી.
VVPAT મતદારે આપેલા મતની ખાતરી કરવામાં માટે EVM મશીન સાથે જોડવામાં આવતું પ્રિન્ટીંગ ડિવાઈસ છે. VVPATથી પ્રિન્ટ થતી સ્લીપ જોઈને મતદાર ચકાસી શકે છે કે તેમનો મત કોને ગયો છે. વિવાદના કિસ્સામાં VVPAT સ્લીપની સંખ્યાને EVM મશીનના મતોની સંખ્યા સાથે સરખાવી ચકાસણી કરી શકાય છે.