
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે બળાત્કારના કેસમા મહિલા અંગે હાઇકોર્ટ કરેલી ટિપ્પણી અંગે કડક વલણ અપનાવ્યું છે. તેમજ અદાલતોના જજોને આવી ટિપ્પણી કરવા અંગે સાવધ રહેવા તાકીદ કરી છે. જેમાં નોઈડામાં એક મહિલા પર થયેલા બળાત્કાર કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશની ટિપ્પણી પરનો વિવાદ પ્રકાશમાં આવ્યો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટે હવે બીજા કેસની સુનાવણી દરમિયાન આ નિવેદનનો ઉલ્લેખ કર્યો અને કડક શબ્દોમાં તેની નિંદા કરી. જસ્ટિસ બીઆર ગવઈ અને એજી મસીહની બેન્ચે હાઈકોર્ટના જજની ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો હતો અને સાવધાની રાખવાની સલાહ પણ આપી હતી.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે એવું કેવી રીતે કહી શકાય કે મહિલાએ પોતે જ મુશ્કેલીને આમંત્રણ આપ્યું હતું? તમે આવી વાત કેવી રીતે કહી શકો? આવા નિવેદનો આપવા યોગ્ય નથી. ન્યાયાધીશોએ આવી વાતો કહેતી વખતે સાવચેત રહેવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે 17 માર્ચે એક કેસની સુનાવણી દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું હતું કે સ્ત્રીના વક્ષસ્થળને પકડવા અથવા તેના પાયજામાની દોરી ખેંચવી એ બળાત્કાર કહેવા માટે પૂરતું નથી.
શું હતો સમગ્ર મામલો?
ગયા વર્ષે 21 સપ્ટેમ્બરના રોજ એક છોકરી દક્ષિણ દિલ્હીમાં એક સંગીત કાર્યક્રમમાં ગઈ હતી. ત્યાં તે આરોપીને મળી જે તેના મિત્રો સાથે હતો. પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપીએ કહ્યું હતું કે તે તેને ઘરે ઉતારી દઇશ. પરંતુ તેના બદલે તે તેને ગુરુગ્રામ સ્થિત તેના પ્લોટ પર લઈ ગયો. પીડિતાનો આરોપ છે કે ત્યાં તેની સાથે બળાત્કાર થયો હતો. આ કેસમાં આરોપીઓને જામીન આપતી વખતે અલ્હાબાદ હાઈકોર્ટના જજે એક મોટી વાત કહી હતી.
આપણ વાંચો: સોનિયા અને રાહુલએ સંપત્તિ હડપવા કાવતરું રચ્યું હતું! નેશનલ હેરાલ્ડ કેસમાં EDનો મોટો ખુલાસો
ટિપ્પણીમાં કહેવામાં આવ્યું પોતે જ મુશ્કેલીને આમંત્રણ આપ્યું હતું
ટિપ્પણીમાં કહેવામાં આવ્યું છે કે અમારું માનવું છે કે જો પીડિતા દ્વારા કરવામાં આવેલા આરોપોને સાચા માનવામાં આવે તો પણ એવા નિષ્કર્ષ પર આવી શકે છે કે તેણે પોતે જ મુશ્કેલીને આમંત્રણ આપ્યું હતું અને તે તેના માટે જવાબદાર છે. પીડિતાએ પણ પોતાના નિવેદનમાં આ જ વાત કહી છે. યુવતીની તબીબી તપાસમાં જાણવા મળ્યું કે તેનો હાઇમેન તૂટેલો છે પરંતુ ડૉક્ટરે યૌન શોષણનો ઉલ્લેખ કર્યો ન હતો. જોકે, બીજા એક કેસમાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે લગ્નના વચનનો ભંગ બળાત્કાર ન હોઈ શકે.