નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે ગુરુવારે ઈલેક્ટોરલ બોન્ડ(Electoral Bond) યોજનાની માન્યતાને પડકારતી અરજીઓ પર ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે(Supreme court) ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને રદ્દ કરી દીધી છે. લોકસભા ચૂંટણી(Loksabha Election)ના વર્ષે જ સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને ગેરબંધારણીય જાહેર કરતા કેન્દ્ર સરકારને મોટો ઝટકો લાગ્યો છે. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે SBIને 6 માર્ચ સુધીમાં ઈલેક્ટોરલ બોન્ડ વિશે માહિતી આપવા માટે કહ્યું છે. કોર્ટે કહ્યું કે, “કાળા નાણા પર અંકુશ લગાવવાના હેતુથી માહિતીના અધિકારનું ઉલ્લંઘન વાજબી નથી. ચૂંટણી બોન્ડ યોજના માહિતીના અધિકાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે. રાજકીય પક્ષો દ્વારા ભંડોળની માહિતી જાહેર ન કરવી એ ઉદ્દેશ્યની વિરુદ્ધ છે.” ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચે ગયા વર્ષે 2 નવેમ્બરે આ કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
ચુકાદો સંભળાવતા CJI ડી વાય ચંદ્રચુડે કહ્યું, “અમે સર્વસંમતિથી આ નિર્ણય પર પહોંચ્યા છીએ. મારા નિર્ણયને જસ્ટિસ ગવઈ, જસ્ટિસ પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાએ સમર્થન આપ્યું છે. તેમાં બે મત છે, એક મારો પોતાનો અને બીજો જસ્ટિસ સંજીવ ખન્નાના નો. બંને એક જ નિષ્કર્ષ પર પહોંચે છે, જો કે તર્કમાં થોડો તફાવત છે.”
સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકારની દલીલ હતી કે આ યોજનાથી કાળા નાણાં પર રોક લાગશે. પરંતુ આ દલીલ લોકોના માહિતીના અધિકારને અસર કરતી નથી. આ યોજના માહિતીના અધિકાર(RTI)નું ઉલ્લંઘન છે. કોર્ટે કહ્યું કે સરકારે દાતાઓની ગોપનીયતા જાળવવી જરૂરી માન્યું, પરંતુ અમે આ સાથે સહમત નથી.
કોર્ટે કહ્યું, ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ બંધારણની કલમ 19 1(a) હેઠળ સુરક્ષિત માહિતીના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે છે. જો કે, દરેક દાન સરકારી નીતિઓને પ્રભાવિત કરવા માટે નથી હોતું. રાજકીય પક્ષો જોડાણને કારણે પણ લોકો દાન આપે છે. આ વાત જાહેર કરવી યોગ્ય નથી. તેથી, નાની રકમના દાન વિશેની માહિતી જાહેર કરવી ખોટું હશે. વ્યક્તિની રાજકીય માન્યતા ગોપનીયતાના અધિકાર હેઠળ આવે છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદામાં થયેલી મહત્વની ટીપ્પણીઓ:
- ઈલેક્ટોરલ બોન્ડ યોજના ગેરબંધારણીય.
- ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ RTIનું ઉલ્લંઘન છે.
- 2017માં ઈન્કમ ટેક્સ એક્ટમાં કરવામાં આવેલ ફેરફાર (મોટા ડોનેશનને પણ ગોપનીય રાખવા) ગેરબંધારણીય છે.
- 2017માં જનપ્રતિનિધિત્વ અધિનિયમમાં કરાયેલો ફેરફાર પણ ગેરબંધારણીય છે.
- કંપની એક્ટમાં થયેલો ફેરફાર પણ ગેરબંધારણીય છે.
- આ સુધારાઓને કારણે ટ્રાન્ઝેક્શનના હેતુ માટે આપવામાં આવેલા દાનની માહિતી પણ છુપાયેલી છે.
- SBIએ તમામ પક્ષો દ્વારા મળેલા ડોનેશનની માહિતી 6 માર્ચ સુધીમાં ચૂંટણી પંચને આપવી જોઈએ.
- ચૂંટણી પંચે આ માહિતી 13 માર્ચ સુધીમાં પોતાની વેબસાઈટ પર જાહેર કરવી જોઈએ.
- રાજકીય પક્ષોએ એવા બોન્ડ પરત કરવા જોઈએ જે હજુ સુધી બેંકને રોકડ કરવામાં આવ્યા નથી.