ભડકાઉ ગીતના વીડિયોઃ કોંગ્રેસના સાંસદને રાહત, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારી
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે કથિત રીતે એક ‘ભડકાઉ’ ગીતનો એડિટેડ વીડિયો પોસ્ટ કરવાના આરોપમાં ગુજરાતના જામનગરમાં નોંધાયેલા એક કેસમાં કોંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપગઢી સામે કાર્યવાહી પર રોક લગાવી દીધી છે.
જસ્ટિસ અભય એસ. ઓકા અને જસ્ટિસ ઉજ્જલ ભુઇયાની ખંડપીઠે પ્રતાપગઢી દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર ગુજરાત સરકાર અને ફરિયાદી કિશનભાઈ દીપકભાઈ નંદાને નોટિસ ફટકારી હતી.
કોંગ્રેસના નેતાએ ગુજરાત હાઈ કોર્ટના 17 જાન્યુઆરીના આદેશને પડકાર્યો છે, જેમાં તેમની સામે નોંધાયેલી એફઆઇઆર રદ કરવાની તેમની અરજીને ફગાવી દેવામાં આવી હતી અને કહ્યું હતું કે તપાસ ખૂબ જ પ્રારંભિક તબક્કામાં છે. જામનગરમાં આયોજિત સમૂહ લગ્ન સમારોહની પૃષ્ઠભૂમિમાં કથિત ‘ભડકાઉ’ ગીત બદલ 3 જાન્યુઆરીએ પ્રતાપગઢી વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી હતી.
આ પણ વાંચો: કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢી વિરુદ્ધ જામનગરમાં નોંધાઈ પોલીસ ફરિયાદ, જાણો શું છે મામલો
કોંગ્રેસના માઇનોરિટી સેલના રાષ્ટ્રીય પ્રમુખ પ્રતાપગઢી પર ભારતીય દંડ સંહિતાની કલમ 196 (ધર્મ, જાતિ, વગેરેના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું) અને કલમ 197 (રાષ્ટ્રીય એકતા માટે પ્રતિકૂળ આરોપો, દાવાઓ) સહિત વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
પ્રતાપગઢી દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર શેર કરાયેલ 46 સેકન્ડની વિડિયો ક્લિપમાં તેમના પર ફૂલોની પાંખડીઓનો વરસાદ થતો જોવા મળ્યો હતો, જ્યારે તેઓ હાથ હલાવીને ચાલતા હતા અને બ્રેકગ્રાઉન્ડમાં ગીત વાગી રહ્યું હતું. એફઆઇઆરમાં જણાવાયું છે કે ગીતના શબ્દો ઉશ્કેરણીજનક, રાષ્ટ્રીય એકતા માટે હાનિકારક અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનારા છે.